Nov 25 2022

નવેમ્બર ૨૦૨૨ઃ બેઠક નં. ૨૩૮નો અહેવાલઃ શૈલા મુન્શા

Published by at 8:10 am under બેઠકનો અહેવાલ

 https://www.akilanews.com/Nri_news/Detail/29-11-2022/22760

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮નું આયોજન તા.૨૦ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૦૦ દરમ્યાન લૉસ્ટ ક્રીક પાર્ક,સુગરલેન્ડ ટેક્સાસ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુંબઈથી આવેલા ગઝલકાર શ્રી સુરેશભાઈ ઝવેરી મુખ્ય મહેમાન હતા.

 

 

સંસ્થાની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત શ્રીમતી છાયાબહેને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેને સહુ સભ્યોનુ સ્વાગત કર્યું. સાથે સાથે મુખ્ય મહેમાન સુરેશભાઈ અને એમના ધર્મપત્ની મીનાબહેનને બેઠકની શોભા વધારવા બદલ અભિનંદન સહિત આવકાર આપ્યો અને બેઠકનો દોર શરૂ કર્યો.

પ્રથમ વક્તા શ્રી જનાર્દનભાઈએ “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” અને “જિંદગી એક ગંજીપો” કાવ્યો રજૂ કર્યાં અને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધા. શ્રીમતી શૈલાબહેન મુન્શાએ  એક ગઝલ “ભીખ જોઈતી નથી, બસ જીતવું છે” દોડ પાકી, સવલતોથી હારવું છે” રજૂ કરી અને કન્યા વિદાય પર એક ઊર્મિગીત ” – “હૈયાનાં પૂર તો રોક્યા રોકાય ના, આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના” રજૂ કર્યું.

     

 

સામાન્ય રીતે ગુ.સા.સ. ની બેઠકમાં એ મહિના દરમ્યાન જન્મેલ અથવા મૃત્યુ પામેલ કવિ, લેખકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
આ વખતે શ્રીમતી દેવિકાબહેને ગુ.સા.સ. ના દિવંગત કવિ લેખકો જેવા કે શ્રી સુમનભાઈ અજમેરી, શ્રી ધીરુભાઈ શાહ,  રસિક મેઘાણી,શ્રી અશોકભાઈ પટેલ, શ્રી નવીનભાઈ બેંકર જેવા પીઢ લેખકોને સાહિત્ય સરિતા તરફથી શબ્દાંજલિ સમર્પિત કરી સાથે બાવીસ વર્ષથી અવરિત ચાલતી ગુ.સા.સ. સંસ્થા માટે અને સહુ સભ્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.

 

           
શ્રીમતી દેવિકાબહેનના કેટલાંક શેરઃ
૧ – “જમાને જમાને જુદી જુદી શાન છે,
વડીલો ખૂણામાં, જુવાનોને માન છે”

૨ – “એ કહે છે કાંઈ ને કરે છે કાંઈ
દિલ દિમાગને ક્યાં બને છે કાંઈ”  રજૂ કર્યાં. 
શ્રી નિખિલભાઈ મહેતાએ  કવિ શ્રી સુરેશભાઈ દલાલનો  એક લેખ, “અહીંયા બેઠો છું તો બેઠો છું” વાંચી સંભળાવ્યો. શ્રી ફતેહ અલીભાઈએ શ્રી રઈશ મણિયારનુ વ્યંગ કાવ્ય” પૈણીને પહટાય તો કેતો નહિ” પર આધારિત પારસી ભાષામાં લખાયેલ એક નવું કાવ્ય વાંચ્યું. “બૈરી લાઈવો છે તો હરખાતો નહી, હવે પૈણ્યો છે તો પહતાતો નહી” રજૂ કરી શ્રોતાઓને હાસ્ય તરબોળ કરી દીધાં. ત્યારપછી દેવિકાબહેન અને શૈલાબહેને, દેવિકાબહેન રચિત રાધા કૃષ્ણનુ  સંવાદ ગીત રજૂ કર્યું. શ્રોતાઓને આ જુગલબંદી ખૂબ ગમી અને સહુએ તાળીઓના ગડગડાટથી એ ગીતના પ્રેમભાવને બેવડાવ્યો.શ્રી પ્રકાશભાઈ મજમુદારે મુખ્ય મહેમાન સુરેશભાઈની લાગણીને માન આપી “બેફામ” (શ્રી બરકત વિરાણી)ની એક ગઝલ રજૂ કરી.
“જૂઓ જાહેરમાં એ સૌ ખાય છે દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી,”

 

બેઠકનો દોર હવે શ્રી સુરેશભાઈને સોંપતા દેવિકાબહેને એમનો પરિચય આપ્યો.
સુરેશભાઈ આમ તો કોમર્સના અનુસ્નાતક છે પરંતુ તેમણે ગુજરાતીમાં પણ M.A. ની ડીગ્રી મેળવી છે. એમનો પ્રસિદ્ધ થયેલો ગઝલ સંગ્રહ “નિતાંત” એમના સ્વભાવને અનુરુપ છે. સુરેશભાઈ પહેલાં પણ ૨૦૦મી બેઠકના જલસા વખતે આવી ચૂક્યા છે અને સભ્યોને એમની ગઝલ, મુક્તક સાંભળવાનો મોકો મળી ચૂક્યો છે. આ વખતે એમના ધર્મપત્ની શ્રીમતી મીનાબહેન પણ હાજર હતાં. સુરેશભાઈ “બેફિકર”ના તખલ્લુસથી ગઝલો લખે છે. સ્વભાવે અને દેખાવે સાલસ સુરેશભાઈની શાયરી, ગઝલ, શેરમાં ખૂબ વજન અને ભાવ હોય છે. કલાગુર્જરીના તેઓ સહ અધ્યક્ષ પણ છે. શબ્દોના કંકુ ચોખા સહિત શ્રી સુરેશભાઈનુ સ્વાગત થયું અને તે પછી ટૂંકી બહેરના શેરોથી તેમણે શરૂઆત કરી.
શ્રી સુરેશભાઈ ઝવેરીના થોડા શેર, મુક્તક, ગઝલના શબ્દોઃ

 

“હું ક્યાં કહું છું આમ જ કરજો.
હું ક્યાં કહું છું આમ જ ફરજો
નાની અમથી આજીજી છે.
ઘરડાંઘરમાં પૂનમ ભરજો.”

“એણે કીધું એની હા છે
આ તો એનો પહેલો ઘા છે”

“મળવું છે તો તબિયતથી મળ,
મળવા ખાતર મળવું નહિ;

“વીજળી સાથે કડાકા થાય છે
મોરના ટહુકા પતાસા થાય છે

ખોટી પડે છે વેધશાળા એટલે
વરસાદની ચાવી તમારી પાસ છે”

“છૂટવા માટે છટક બારી નથી
પ્રેમમાં ઓછી મગજમારી નથી”

સાવ મફતમાં માબાપ મળે છે
તોય બધે શું કામ નડે છે!!”

એટલે તો મોજ પડવાની નથી
જાતરામાં નોટ ગણવાની નથી”

“શબ્દના સ્પંદન તને સમજાય છે?
સ્વર અને વ્યંજન તને સમજાય છે?

સભાજનો રસપૂર્વક ‘ઇર્શાદ’ , once more કહી મઝા માણતા હતા. પણ સમયના તકાજાને માન આપી બેઠકની પૂર્ણાહુતિ કરવી પડી. સૌએ ઊભા થઈ તાળીઓના ગડગડાટથી સુરેશભાઈને વધાવી લીધા.


અંતમાં સમિતિના સભ્યોએ શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટ અર્પણ કર્યા. ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબહેને આભાર વિધિ કરી.
હ્યુસ્ટનની ગુલાબ ઠંડી માણતા સહુ આ રંગતભરી મહેફિલ માણી છુટા પડ્યા.

અસ્તુ,
શૈલા મુન્શા તા.૧૧/૨૩/૨૦૨૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

7 responses so far

7 Responses to “નવેમ્બર ૨૦૨૨ઃ બેઠક નં. ૨૩૮નો અહેવાલઃ શૈલા મુન્શા”

  1. શૈલા મુન્‍શાon 25 Nov 2022 at 9:05 am

    હ્રદયથી આભાર દેવિકાબહેન, અહેવાલને ફોટા સહિત ગુ.સા.સ. ની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવા બદલ.🙏🙏

  2. ભારતી મજમુદારon 25 Nov 2022 at 3:43 pm

    ખુબ જ સુંદર, વિગતવાર રિપોર્ટ અને તે પણ શૈલાબેનની શૈલીમાં. વાંચવાની ખુબ જ મઝા આવી. રિપોર્ટ અને એના અનુંસંધાન ના ફોટા. દેવિકાબેન અને શૈલાબેન તમારા બંનેનો ગુજરાતી સાહિત્ય સરિતાનો પ્રેમ અને લાગણી દેખાઈ આવે છે.
    ૨૩૮ મી બેઠક ખુબ જ રસ સભર રહી. શ્રી. સુરેશભાઈ ને સાંભળવાની મઝા આવી અને એમાં આપણા સભ્યોએ સોનામાં સુગંધ ઉમેરી.
    આવું સુંદર કામ તમે બે જ કરી શકો. 👍👍 આટલો ત્વરિત રિપોર્ટ લખવા બદલ ખુબ ખુબ આભાર સહીત અભિનંદન!!🙏🙏💞💞

  3. Indu Shahon 25 Nov 2022 at 5:37 pm

    આ બેઠકમાં હું હાજર ન હતી . વિગતવાર ફોટા સાથેનો અહેવાલ વાંચ્યો, આનંદ થયો..

  4. devikadhruvaon 25 Nov 2022 at 6:38 pm

    સાહિત્યની પ્રવૃત્તિઓની જેમ જ આપણી આ વેબસાઈટને પણ સક્રિય રાખવાની સૌ સભ્યો તરફથી અપેક્ષા છે.
    જે પણ વ્યક્તિ સ્વેચ્છાએ આ કાર્ય કરવા માંગતી હોય તેને ભાવભર્યુ, આનંદ સાથે આમંત્રણ છે. ખાસ કરીને સમિતિના દરેક સભ્યો અહીં લખતા થાય તે પાયાની જરુરિયાત છે.

    હાજર ન રહી શકનાર વ્યક્તિ પણ આ સાઈટ પર વાંચીને બેઠકનો આનંદ માણી શકે તે હેતુ સિદ્ધ થઈ શકે.
    ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર અને પ્રસાર એ જ આપણો ઉદ્દેશ.

    સૌના પ્રતિભાવ થકી લખનારની કલમ વધુ સશક્ત બનશે.

    શૈલાબહેન, સર્વાંગ સંપૂર્ણ, સુંદર અહેવાલ ત્વરિત લખી મોકલવા બદલ અભિનંદન.

  5. શૈલા મુન્શાon 26 Nov 2022 at 10:31 am

    હ્રદયપૂર્વક આભાર ભારતીબહેન, આપના સુંદર અને દિલથી લખાયેલ અભિપ્રાય બદલ.
    ઈન્દુબહેન સભામાં હાજર ન હોવા છતાં અહેવાલ વાંચી તરત પ્રતિભાવ આપવા બદલ ખૂબ આભાર.
    સર્વે સભ્યો પાસે એ જ અપેક્ષા છે.
    દેવિકાબહેનની સંસ્થા પ્રત્યેની લગન, લાગણી ગુ.સા.સ. ને દેશ વિદેશમાં પ્રભાવિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. એમનુ પ્રોત્સાહન મારું લેખન કાર્ય સુધારવામાં અગત્યનો ભાગ ભજવે છે માટે હું એમની સદા ઋણી રહીશ.
    ફરી સર્વે સભ્યોને વિનંતિ કે અહેવાલ વાંચી પ્રતિભાવ જરુરથી આપો.

  6. ફતેહઅલી ચતુરon 26 Nov 2022 at 10:44 am

    હુ મોડો આવ્યો હતો અને અહેવાલ જોતા લાગે છે કે શરુઆત્ ના વક્તાઓ ને મીસ કર્યા.

  7. ભાવના દેસાઈon 29 Nov 2022 at 2:17 pm

    બેઠકમા હાજરી અપાઈતેથી અમે શું ખોયું તેની પ્રતીતી શૈલી બહેનના અહેવાલથી થઈ. શૈલાબહેન, અમે આવ્યા હોઈએ અને જે આનંદ મળે તેવું સુંદર લખાણ છે. વળી બહુ સમયસર!!
    ગુજરાતી સાહિત્ય સરીતા માટે કાબેલ સભ્યો હોય તે ગૌરવની વસ્તુ છે.
    અસ્તુ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.