Nov 24 2020

નવે. ૨૦૨૦ બેઠક નં. ૨૧૪- વિડિયો અનેઅહેવાલ..

Published by at 5:25 pm under બેઠકનો અહેવાલ

 ગુ.સા.સ. નો નવેમ્બર  માસની બેઠકનો અહેવાલ-શ્રીમતી શૈલા મુન્શા

તા.૨૨ નવેમ્બર રવિવારની બપોરે ગુ.સા.સ હ્યુસ્ટનની ૨૧૪મી બેઠક એક આંતરરાષ્ટ્રિય ગઝલની મસ્તીભરી બેઠક બની રહી. લંડન યુ.કે થી જાણીતા ગઝલકાર  કે જેઓ ગુજલીશ ગઝલો માટે ખૂબ જાણીતા અને સુફી ગઝલકાર તરીકેનું માન મેળવી ચૂકેલા છે તે આદરણીય શ્રી અદમભાઈ ટંકારવી આજની બેઠકમાં મુખ્ય મહેમાન હતા, સાથે યુ.કે.થી વાર્તાકાર નયનાબહેન પટેલ તથા અન્ય ઘણા સાહિત્યરસિકો પણ અદમભાઈની ગઝલોની કેફિયત  માણવા રાત હોવા છતાં જોડાયાં હતાં.

નિખીલભાઈએ સરસ્વતી વંદનાથી બેઠકનો પ્રારંભ કર્યો.પ્રમુખ શ્રીમતી શૈલાબહેને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપતાં ઉમળકાભેર સહુનુ સ્વાગત કર્યું. ગુ.સા.સ. હ્યુસ્ટનના આમંત્રણને માન આપી લંડનના રાતે આઠ વાગે પણ ઝુમ પર જોડાવા માટે શ્રી અદમભાઈને આવકારતાં એમની ૨૦૧૪ની હ્યુસ્ટનની મુલાકાતને યાદ કરી, ફરી એ રંગભરી મહેફિલ ઝુમ પર માણવા સહુ સભ્યોની તાલાવેલી પ્રગટ કરી.

શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે  શ્રી અદમભાઈ ટંકારવીનો પરિચય આપતાં કહ્યું કે,અદમભાઈ જેવા સિધ્ધહસ્ત ગઝલકાર જે વિશ્વભરમાં પ્રખ્યાત છે એ કોઈ પરિચયના મોહતાજ નથી. કવિ કલાપી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી કેટલીયે માતબર સંસ્થા દ્વારા અનેક એવોર્ડ મેળવી ચૂકેલા શ્રી અદમભાઈ મુશાયરાની મહેફિલના બાદશાહ ગણાય છે. એમની બધી ગઝલ, હઝલનો સંગ્રહ ૭૮૬ નામના પુસ્તકમાં છે.

કાર્યક્રમના પહેલા ચરણની શરુઆત કરતાં દેવિકાબહેને શ્રી અદમભાઈને આમંત્રણ આપ્યું. શ્રી અદમભાઈએ સહુને સાલમુબારકની શુભેચ્છા આપી એક મુક્તકથી શરુઆત કરી.

“એમાં ક્યાં કોઈ રસકસ છે,
ભાષા ભુખડીબારશ છે.
ગઝલને નવાજીને અપનાવો
પ્રિય અદમજી બેબસ છે”

“એમની ગઝલની થોડી પંક્તિઓ

“ઉદાસી આંખમાં દિલમાં અગન છે,
ગઝલ સંભળાવ આ સારા શુકન છે”

“ચિબાવલી છતાં ગમી છે ગઝલ,
ને પાડોશીની છોકરી છે ગઝલ”

હઝલની બે પંક્તિઓ

“સહેજ નીચી ક્યાં ઉતરે છે હની,
તારો ઈગો તો છાપરેં છે હની”

આવી રસઝરતી ગઝલોથી વાતાવરણ જામતું જતું હતું અને શ્રોતાઓ વાહ વાહ અને ‘ઈર્શાદ’થી અદમભાઈને વધાવતાં જતા હતાં.
શ્રી અદમભાઈની ઈચ્છા ગુ.સા.સ.ના સભ્યોને સાંભળવાની હોવાથી થોડા ગઝલ લખનાર કવિમિત્રોએ પોતાની ગઝલ સંભળાવી, 
કેટલાંકે નામાંકિત ગઝલકારોની ખૂબસૂરત  ગઝલ રજૂ કરી તો કેટલાંક સભ્યોએ અન્ય  ગઝલકારોની પાણીદાર ગઝલ ગાઈ સંભળાવી. શ્રી અદમભાઈએ સહુની ગઝલને દાદ આપતાં એને અનુરુપ શેર સંભળાવી વાતાવરણની જમાવટમાં અનેરો રંગ ભરી દીધો. ખરેખર આટલી જૈફ વયે એમની યાદશક્તિને દાદ આપવી પડે.

કાર્યક્રમના બીજા દોરમાં સાહિત્ય સરિતાના સભ્ય અને  ગુજરાતી ‘પ્રમુખપેડ’ ના સંશોધક વિશાલભાઈ મોણપરાની નવ અને પાંચ વર્ષની દિકરીઓ  ચિ.સ્વરા અને આજ્ઞા જેઓ આટલી કુમળી વયે ગુજરાતી ભાષા અને કક્કો બારાખડીને સરળ ભાષામાં ઉદાહરણ સહિત,અમેરિકન પધ્ધતિથી યુટ્યુબ ચેનલ પર મૂકે છે, જે અમેરિકાના અંગ્રેજી ભણતા બાળકોને  માટે ખૂબ ઉપયોગી છે. એમની આ પ્રવૃતિને પ્રોત્સાહન આપવા સંસ્થા તરફથી આ બાળકીઓને પ્રોત્સાહન પત્ર અર્પણ કરવામાં આવ્યું.

કાર્યક્રમના ત્રીજા દોરમાં શ્રી અદમભાઈ સાથે પ્રશ્નોત્તરી થઈ. એમની ગઝલ લખવાની શરુઆત, ક્યારે થઈ, ગઝલમાં છંદનુ મહત્વ અને એમના અગણિત મુશાયરાની બેઠકોમાંથી કોઈ યાદગાર પ્રસંગો વગેરે સવાલોના  ઉત્તરો ગઝલના શેર સાથે સાંકળી અદમભાઈએ રસપૂર્વકઆપ્યા અને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધાં. તે ઉપરાંત શ્રોતાઓની ફરમાઈશની ગઝલો પણ અદમભાઈએ પ્રેમપૂર્વક સંભળાવી. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી શ્રી અદમભાઈને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું.
સહુ સભ્યોની ઈચ્છા અદમભાઈને વધુ ને વધુ સાંભળવાની હતી. શ્રી અદમભાઈના  અસ્ખલિત જાનદાર  શેર શાયરીમાં સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના રહી, પણ સમય મર્યાદાને લીધે અને ખાસ તો લંડનમાં રાતના દસ વાગવા આવ્યા હોવાથી કાર્યક્રમની અહીં સમાપ્તિ કરવી પડી.

અંતમાં આ વર્ષે સંસ્થાને મળેલ અનુદાનની માહિતી સંસ્થાના ખજાનચી અવનીબહેને આપી.

શ્રીમતી શૈલાબહેને સહુનો અને ખાસ કરીને શ્રી અદમભાઈનો, તેમના પૌત્રનો કે જેમણે ઝુમ મીટીંગમાં જોડાવામાં મદદ કરી અને લંડન, અમેરિકાથી જે સાહિત્યકારો જોડાયા હતા તેમનો, ગુ.સા.સ.ના સભ્યોનો તથા અન્ય મિત્રો  જે આ બેઠકમાં હાજર રહ્યાં હતા એમનો દિલથી આભાર માન્યો.
નવા વર્ષની શુભેચ્છા આપતાં આવતા વર્ષે રુબરુ મળવાની આશા રાખતાં  સૌ છૂટા પડ્યાં.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૨૩ નવેમ્બર ૨૦૨૦

5 responses so far

5 Responses to “નવે. ૨૦૨૦ બેઠક નં. ૨૧૪- વિડિયો અનેઅહેવાલ..”

  1. શૈલા મુન્શાon 24 Nov 2020 at 8:00 pm

    ૨૧૪મી બેઠકનો અહેવાલ ગુ.સા.સ. ની વેબસાઈટ પર મુકવા બદલ દેવિકાબહેન આપનો ખૂબ આભાર.
    અવનીબહેને ઝુમ લીન્ક નો વિડિયો મોકલ્યો અને વિશાલ ભાઈએ યુટ્યુબમાં એ વિડિઓ તરત ફેરવી આપ્યો એ બદલ બન્નેનો પણ દિલથી આભાર.

  2. Indu Shahon 24 Nov 2020 at 9:38 pm

    સુંદર વિગતવાર અહેવાલ.👌👌

  3. ભારતી મજમુદારon 24 Nov 2020 at 10:13 pm

    શૈલાબેન, ખુબ ત્વરિત અને વિગતવાર અહેવાલ માટે આભાર.
    આ વખતની બેઠક ખરેખર રસપ્રદ રહી. શ્રી અદમભાઈની સુંદર ગઝલો સાંભળવાની તો ખૂબ મઝા આવી જ, પણ સાથે સાથે એમનો સરળ સ્વભાવ, યાદશક્તિએ પણ બધાના મન મોહી લીધા. આટલી ઉંચી કક્ષાના શાયર, છતાં બધા સભ્યોને શાંતિથી સાંભળ્યાં અને એની સામે એનો જવાબ પણ આપવો, અને બધાના પ્રશ્નોના શાંતિથી જવાબ પણ આપવા એ કોઈ મહાન વ્યક્તિ જ કરી શકે.
    એમને ફરી ફરી સાંભળવા ગમશે.
    આ માટે શૈલાબેન, દેવિકાબેન અને ચારુબેન અભિનંદન.
    અવનીનો પણ ઝૂમ ઓડીઓ, વિડિઓ અને ફોટા માટે આભાર.
    બધા સભ્યોની રજૂઆત પણ સોનામાં સુગંધ ભળે તેવી હતી.

  4. Vimala Gohilon 26 Nov 2020 at 6:23 pm

    ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ૨૧૪મી બેઠકનો વિસ્તૄત અહેવાલ  અને ઝૂમ બેઠક્નો વીડિયો
    જોઈ બેઠક માણ્યાનો અહેસાસ થયો.

  5. રશ્મિકાંત શાહ્ગુલon 30 Nov 2020 at 3:08 pm

    Dear Shailaben, I am sorry to write in English due to the different Gujarati font in my computer. I am in Columbus , Ohio and having a small Gujarati Sahitya group ( SHANTINIKETAN) .
    My niece Ridhdhi Desai called me to join your excellent Gazal program. I share my poems, stories, dramas with other group. I will be very happy to join with your group on a regular or a program base if possible.
    Please keep me informed
    Thank you very much.

    Sicerely,

    Rashmikant Shahgul
    740/972/3434

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.