Jul 16 2020

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાનો એક સિતારો ખર્યો…

છેલ્લાં થોડાં વર્ષોમાં હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઘણાં સર્જકો ગુમાવ્યા. આજે  કાવ્યક્ષેત્રે એક  વધુ તેજસ્વી સિતારો ખર્યો.

   અબ્દુલ રઝાક મેઘાણી.– રસિક’ તખલ્લુસ

રસિકતખલ્લુસથી ગઝલ સર્જન કરતા ‘રસિક’ મેઘાણીનું  મૂળ નામ  અબ્દુલ રઝાક મેઘાણી.

તેઓ પાકિસ્તાનથી ૨૦૦૦ ની સાલમાં હ્યુસ્ટન આવ્યા હતા.‘નઝર’ ગફૂરી,’અદીબ’ કુરેશી,’ખદીમ’ કત્યાન્વી  વગેરે પાસેથી  તેમણે કાવ્યશાસ્ત્રનું જ્ઞાન લીધું હતું. ચારેક દાયકાથી તેઓ ગઝલો લખતા અને તેમની ગઝલો લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં છપાતી રહી. ‘શૂષ્ક લાંબા માર્ગે’ તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ અને બીજો ભીની ભીની આંખો.’

કરાંચીની બઝમે દિલકશ’ સંસ્થા કે જે પાછળથી ગુજરાતી કવિમંડળ’ તરીકે પ્રખ્યાત થઈએના સક્રિય સભ્ય રહ્યા હતા.તેમની ગઝલો અને કાવ્યો અંગે સ્વ. શ્રી. ‘આદિલ’ મનસૂરી સાહેબે કહ્યું હતું કે-ગઝલના છંદશાસ્ત્રની દ્રષ્ટિએ તેમની ગઝલો સર્વાંગસંપૂર્ણ છે. તેમની સર્જકતા પણ ખુબ ધારદારરૂપે પ્રગટ થતી જણાઇ  આવે છે.

‘ રસિક’ મેઘાણી’નો જન્મ ૧૨ મે ૧૯૪૬, મુંબઈ, અભ્યાસ- બી કોમ. કરાંચી. થોડા વર્ષો પહેલાં તેમના હાથમાં જ્યારે ગ્રીન કાર્ડ આવ્યું ત્યારે તેઓ સ્ટ્રોકને કારણે હોસ્પીટલમાં હતા! એક લેખકના હાથ  અપંગ બની જાય તેનાથી વધુ મોટી વેદના કઈ હોઈ શકે?  તે પછી તો તેમને હાર્ટ એટેક પણ આવ્યો. પરિણામે નાછૂટકે કાયમને માટે તેમને  પાકિસ્તાન  જવું પડ્યું. જતાં જતાં તેમની પાસેના ગઝલસંગ્રહો અને જૂના શબ્દસૃષ્ટિ,પરબ જેવા અનેક સામયિકોનો તમામ ખજાનો મારી પાસે મૂકતા ગયા. ગઝલના છંદો માટે તેઓ મારા પ્રથમ ગુરુ હતા.

સાહિત્યસરિતા અંગે કહેતા કે,”સાહિત્યસરિતાના સહકારથી જ મારો ગઝલસંગ્રહ  પ્રગટ થઇ શક્યો છે.

તેમને ગમતી તેમની પોતાની  સ્વ-રચનાની  કેટલીક  ઝલક- કેટલાંક શેર..

તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
નવાયુગોના રંગથી નવી નવી તું ભાત કર…      તું વિશ્વ ગુર્જરી છે આજ..

તું પ્રેમ દીપ બાળવા વદન વદનથી વાત કર.
તું પર્વતોને આંબવા ગગન ગગનથી વાત કર.
તું જિંદગી છો એટલે તું જિંદગીની વાત કર.
નવા યુગોનાં રંગથી નવી નવી તું ભાત કરતું    વિશ્વ ગુર્જરી છે આજે..
તું તારલાનાં તોરણો સજાવી દે હ્રદય સુધી
તું પ્રેમની પરંપરા પ્રજાળી દે હ્રદય સુધી
તું ગુંજતોરસિકરહે , દિશા દિશા સમય સુધી
તું મૃત્યુ થી ઉચાટ થા, ને જિંદગીની વાત કરતું વિશ્વ ગુર્જરી છે આજ..

****************************

સતત વદન હસતું જોવા તરસે, હજી સુધી ભીની ભીની આંખો
તમારા માટે આ જીવ તડપે, હજી સુધી ભીની ભીની આંખો.

વિદેશની સૂની સૂની સડકે, અમે તો ભૂલા પડી ગયા પણ
પછીથી કયાંક ડૂસ્કાં છલકે, હજી સુધી ભીની ભીની આંખો.*

નવા નગરને નવા નિવાસી, અમે કદી જ્યાં હતા પ્રવાસી
નવા ઉમંગો છતાંય આજે, હજી સુધી ભીની ભીની આંખો.*

હું પ્રેમ દીપક બધા હૃદયમાં, પ્રજાળી ચાલ્યો કદીક જ્યાંથી
હજી ત્યાં ઊર્મિના તણખા ઝબકે, હજી સુધી ભીની ભીની આંખો.

કરાર આ બેકરાર યુગમાં, કહીં નહીં મળશે આજ દિલને
કહો રસિકને એ લૂંછી નાખે, હજી સુધી ભીની ભીની આંખો.

 * આ બંન શેર અમેરિકામાં વસતા તમામ દેશીઓને અર્પણ.

 

ખુદા તેમની રૂહને જન્નત બક્ષે એ જ દુઆ સાથે ….

દેવિકા રાહુલ ધ્રુવ.

જૂલાઈ ૧૬, ૨૦૨૦

 

 

 

One response so far

One Response to “હ્યુસ્ટનની સાહિત્ય સરિતાનો એક સિતારો ખર્યો…”

  1. શૈલા મુન્‍શાon 16 Jul 2020 at 11:43 am

    રસિકભાઈ ખરેખર ગઝલના બાદશાહ હતા. ગુ.સા.સ.ના સભ્યોને છંદોબધ્ધ ગઝલ લખતાં કરવામાં એમનો ઘણો મોટો ફાળો છે. રવિવારે તેઓ હીલક્રોફ્ટ પર જ્યાં અત્યારે શીવ સાગર છે ત્યાં પહેલા આનંદ ભવન હતું ત્યાં ગઝલ શીખવવાનો વર્કશોપ કરતાં.
    નામ પ્રમાણે રસિક અને ઉમદા સાહિત્યકારની હમેશ ખોટ પડશે. ખુદા તેમની રૂહને જન્નત બક્ષે.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.