Oct 01 2026

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૮૪મી બેઠકનો અહેવાલ

Published by at 9:07 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૮૪મી બેઠક રવિવાર, સપ્ટેમ્બર ૬, ૨૦૨૬ ની બપોરે ૩ વાગે સુગરલેંડના Clyde and Nancy Jacks Conference Center ખાતે યોજવામાં આવી હતી. બેઠક નો વિષય હતો – ગુજરાતી કહેવતોનાં મૂળ અને તેમનાં અર્થ. વધુ લોકો ભાગ લે તે ઉદ્દેશ્યથી સૌથી વધુ કહેવતો રજૂ કરનારને ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં થયેલા રજત જયંતિ મહોત્સવ વિશે પ્રતિભાવો વ્યક્ત કરવા માટે પણ સમય ફાળવવામાં આવ્યો હતો.

 

અલ્પાહારને ન્યાય આપ્યા પછી તરત જ બેઠકની શરૂઆત શ્વેતા શ્રોફના કંઠે સરસ્વતી વંદનાથી થઈ હતી. ત્યારબાદ ગુજરાતી કહેવતો વિશે સંસ્થાના પ્રમુખ નિખિલ મહેતાએ ટૂંકી પ્રસ્તાવના કરી પ્રથમ વક્તા ઓમપ્રકાશ ગુપ્તાને આમંત્રણ આપ્યું, જેમણે “ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો” કહેવત વિશે વિસ્તારથી વાતો કરી. તેમણે મુન્શી પ્રેમચંદની વાર્તા અને તુલસીદાસની કવિતાવલીના સંદર્ભ આપી આ કહેવત સાડા ચારસો વરસ કે તેથી પણ પહેલા રચાયેલી હિતોપદેશની વાર્તાઓમાંથી આવેલી હોઈ શકે એમ જણાવ્યું.

 

દ્વીતિય વક્તા શ્વેતા શ્રોફે પચાસથી પણ વધારે કહેવતોનાં અર્થ અને મૂળ વિશે રસપ્રદ છણાવટ કરી. એમણે ગુજરાતી કહેવતો વિશેના ત્રણ પુસ્તકોનો સંદર્ભ આપી કહેવતોની ઉત્પત્તિ વિશે અને લોકો દ્વારા વપરાતા વાક્યો કહેવત ક્યારે બને છે તે વિશે પણ સૌને માહિતગાર કર્યા. પંદરેક કહેવતો અને તેમનાથી વિરોધભાસી અર્થો ધરાવતી કહેવતોની વાત કરવા માટે ભૌમિક શ્રોફે પણ તેમનો સાથ આપ્યો. વળી એમાં પ્રેક્ષકોને પણ સક્રિય રીતે સામેલ કરી, એ બન્નેએ આખી રજૂઆત એક રમતના રૂપમાં કરી. આમ કરવાથી બેઠક ઘણી મનોરંજક બની જેની બધાંએ ખૂબ પ્રશંસા પણ કરી.

 

ત્યારબાદ, કહેવતો મોટી વાતને ટૂંકા અને સચોટ વાક્યમાં વ્યક્ત કરવાની અસરકારક રીત છે એમ જણાવી ચારુ વ્યાસે પાંચ-છ કહેવતો તેમનાં અર્થ સહિત રજૂ કરી. નિખિલ મહેતાએ પણ આઠેક જેટલી કહેવતો અને એમનાં અર્થ વિશે માહિતી આપી.

 

હસમુખ દોશીએ એ જ્યારે સાઠ વરસ પહેલા અમેરિકા આવેલા ત્યારે જે ઓઝાનો શબ્દકોશ સાથે લાવેલા તેમાંથી કહેવતોના વિભાગ વિશે વાત કરી, અને જો કોઇને એની નકલ જોઈતી હોય તો મોકલવાની તૈયારી પણ બતાવી.

 

ત્યારબાદ, ફતેહઅલી ચતુરે કહેવતોની વાત પરથી એમને યાદ આવેલી ગઝલ અને વિખ્યાત હિંદી કવિ અશોક ચક્રધરની કવિતાની વાત કરીને બેઠકને એના બીજા ભાગ એટલે કે ઓગસ્ટ મહિનામાં થયેલા રજત જયંતિ મહોત્સવ વિશે પ્રતિભાવો વ્યક્ત કરવા તરફ દોરી ગયા અને પોતાનું મંતવ્ય રજૂ કર્યુ.

 

નિખિલ મહેતાએ એમના ઉપર આવેલા પ્રતિભાવોમાંથી આચાર્ય શ્રી ગૌરાંગ નાણાવટી, બડ પટેલ, દીપક ભટ્ટ અને દીનેશ શાહનાં પ્રતિભાવો વાંચી સંભળાવ્યા હતા, અને બેઠકમાં હાજર બીજા સભ્યોને પણ એમનાં પ્રતિભાવો રજૂ કરવા વિનંતી કરી ત્યારે અરવિંદ ઠેકડી, નીતિન વ્યાસ, હસમુખ દોશી, અંબર શાહ , પ્રવીણચંદ્ર શાહ, કિરીટ મોદી અને શ્વેતા શ્રોફે એમનાં પ્રતિભાવો અને સૂચનો વ્યક્ત કર્યા, જેની સંસ્થાનાં હાજર રહેલા પદાધિકારીઓએ નોંધ લીધી હતી.

 

કાર્યક્રમના સમાપન સમયે નરેંદ્ર વેદે સૌથી વધુ ગુજરાતી કહેવતો તેમના મૂળ અને અર્થ સાથે રજૂ કરવા બદલ શ્વેતા શ્રોફને વિજેતા જાહેર કર્યા અને ઓમપ્રકાશ ગુપ્તાને તેમને ઈનામ અર્પણ કરવા વિનંતી કરી હતી. ગુજરાતી કહેવતોના અન્ય રજૂઆતકર્તાનો તથા જે સભ્યોએ ઓગસ્ટના કાર્યક્રમ વિશે અભિપ્રાય રજૂ કર્યા એ સર્વેનો પણ નરેંદ્રભાઈએ આભાર માન્યો હતો. ઉપરાંત શ્વેતાબહેન શ્રોફનો પ્રાર્થના માટે, City of Sugar Landનો હોલ માટે, તથા અન્ય સ્વયંસેવકોનો એમની સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

 

અસ્તુ.

અહેવાલ લેખન – શ્વેતા શ્રોફ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.