Apr 12 2016

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૩ મી બેઠક શ્રીમતી નીલમબેન દોશી સાથે.

Published by at 10:15 pm under બેઠકનો અહેવાલ

નીલમ દોશી ૧ ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનમાં ખ્યાતનામ લેખિકા નીલમ દોશી –અહેવાલ શ્રી નવીન બેંકર ડૉ. ઈન્દુબેન શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૩ મી બેઠક, તારીખ ૯ એપ્રિલ ૨૦૧૬ને શનિવારના રોજ, સુગરલેન્ડના માટલેજ રોડ ખાતેના હોલમાં યોજવામાં આવી હતી. આ વખતના મુખ્ય મહેમાન ખ્યાતનામ કોલમ લેખિકા, નવલકથાકાર અને ટૂંકી નવલિકાઓના લેખનમાં જેમનું નામ પ્રથમ પંક્તિના સર્જકોમાં ગણાય છે એવા નીલમબેન દોશી તથા માસ્ટર ઓફ સેરિમની તરીકે હ્યુસ્ટનના જ શ્રી. અશોક પટેલ હતા. સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે, બરાબર ત્રણને ટકોરે, સ્વાગતના બે શબ્દો કહ્યા અને શ્રીમતિ ભાવનાબેન દેસાઇએ પોતાના સુમધુર સ્વરમાં સરસ્વતિવંદના કર્યા બાદ, શૈલા મુન્શાએ નીલમબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને શ્રી, પ્રશાંત મુન્શાએ નીલમબેનના પતિ શ્રી. હરીશ દોશીનું સ્વાગત કર્યું. ઇન્દુબેને કાર્યક્રમનો દોર શ્રી. અશોક પટેલને સોંપી દીધો. શ્રી. વિજય શાહે પાવરપોઇન્ટની મદદથી નીલમબેનનો વિશદ પરિચય આપતાં નીલમબેનની સાહિત્યપ્રવૃત્તિનો ખ્યાલ આપતાં તેમના પુસ્તકોની સંખ્યા, વિવિધ ગુજરાતી સામયિકોમાં છપાતી તેમની કોલમો, તેમને મળેલા એવોર્ડો અને પારિતોષિકોની વાત કરી.નીલમબેન દોશીને એક સફળ વાર્તાકાર, સંવેદનશીલ કવયિત્રી અને ઉચ્ચ હકારાત્મક સર્જનોના નાયગરા ધોધ તરીકે તેમણે વર્ણવ્યા. પ્રાસંગિક વક્તવ્ય બાદ શ્રીમતિ નીલમબેને, ડલાસ રેડીયો પરથી આરજે ( રેડિયો જોકી) સંગીતા ધારિયા દ્વારા વાંચેલી અને પ્રસારિત કરેલી વાર્તા ‘એ જમાના ગયા’ સુંદર રીતે , સ્વરના આરોહ-અવરોહ, મુખ પરના મનોભાવો અને શ્રોતાઓ સાથેના આઈ-કોન્ટેક્ટ સહિત નાટ્યાત્મક રીતે રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નીલમબેને પોતાનું એક કાવ્ય ‘અને..બા શોભી ઉઠી’ પણ સંભળાવ્યું હતું. જીવાતા જીવનની સંવેદના વ્યક્ત કરનાર વાર્તાકાર હિમાંશી શેલતને પોતાના પ્રિય વાર્તાકાર ગણાવ્યા હતા. દુનિયાની પ્રથમ દસ નવલિકાઓમાં જેની ગણના થાય છે એ, શ્રી. ધૂમકેતુની પ્રખ્યાત નવલિકા ‘પોસ્ટ ઓફીસ’નો કોઇ અન્ય લેખકે બીજો ભાગ લખીને આગળ વધારી છે અને પોતે એ નવલિકાનો ત્રીજો ભાગ લખીને, આ વર્ષના , ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પ્રકાશિત થતા દળદાર વાર્ષિક અંક ‘ગુજરાત’માં પ્રસિધ્ધ થયેલી , અલી ડોસા અને મરિયમવાળી વાર્તા વાંચી સંભળાવી. આ એક અદભુત અનુભવ હતો શ્રોતાઓ માટે. ક્લાસીકલ ફિલ્મોના પાર્ટ વન પરથી પાર્ટ ટૂ, અને પાર્ટ થ્રી બનતા તો આપણે જોઇએ છીએ પણ વર્ષો પહેલાં લખાયેલી ક્લાસીકલ વાર્તાના તંતુને આગળ વધારીને ,એના વાર્તાવસ્તુને સહેજ પણ નુકસાન ન થાય એ રીતે આગળ વધારવાના આવા પ્રયોગો આવકાર્ય છે. ત્યારપછીની વાત બહુ ટૂંકી છે. માસ્ટર ઓફ સેરિમની અશોક પટેલે અર્નેસ્ટ હેમીંગ્વેની એક ટૂંકી વાર્તા કહી અને પોતાની લખેલી પણ એક વાર્તા સંભળાવી. દેવિકાબેન ધ્રુવે ‘ગુર્જર નારી’ વિશે પોતાનો લેખ વાંચ્યો. શૈલાબેન મુન્શાએ પોતાના વર્ગના કોઇ અલ્પવિકસિત મેક્સીકન બાળકની વાત, હાલની અમેરિકન શિક્ષણપ્રણાલિની વાત સહિત કરી. ગીતાબેન નામના કોઇ આગંતુક બહેને પોતાનું કાવ્ય, ‘જાદુ’ વાંચ્યુ. મનુજ હ્યુસ્તોનવીના ઉપનામથી લખતા શ્રી. મનોજ મહેતાએ પોતાના બે કાવ્યો /ગઝલો રજૂ કર્યા હતા. હ્યુસ્ટનના મૂકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે, સ્વ. મરીઝ સાહેબની જાણિતી ગઝલ ‘આજ મેં લક્ષ્મીની તસ્વીરને વેચી નાંખી’ ગાઈ સંભળાવી. સુરેશ બક્ષીએ એક ગઝલ ‘એ મને ગમે’ રજૂ કરી. મનસુખ વાઘેલાએ ફેઇસબુક અને વોટ્સ અપ પરના કેટલાક ટૂચકાઓ રજૂ કર્યા હતા. ‘ગુજરાત ગૌરવ’ ના તંત્રી શ્રી. નુરૂદ્દીન દરેડિયાએ પણ કેટલીક રચનાઓ રજૂ કરી હતી. સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહે પોતાની એક વાર્તા “આશા”વાંચી સંભળાવી હતી. આ અહેવાલના લેખક શ્રી. નવીન બેન્કરે , ૧૦૪ વર્ષની ઉંમરે ગુજરી ગયેલ, ‘લીલા’ ના સર્જક , રંગીન ગઝલકાર તથા સ્નેહ અને સૌંદર્યના પુજારી એવા શ્રી. આસિમ રાંદેરીનો પરિચય આપીને, તેમની પ્રખ્યાત કૃતિ ‘કંકોતરી’ રજૂ કરી હતી. ચીમનભાઈ પટેલે પોતાનું કાવ્ય ‘મળવાનું મળે તો કેવું’ રજૂ કર્યું હતું. સદગત પત્ની ની હયાતીમાં એની વાત ન સાંભળી અને હવે એ યાદ આવે છે ત્યારે, વિધુર પતિ, એ વખતે કરેલી ભુલો સુધારવાની તક મળે તો કેવું ‘ એ અંગે જે વલોપાત કરે છે એનું હ્રદયદ્રાવક વર્ણન કરતું આ કાવ્ય ભાવક શ્રોતાઓની આંખના ખુણા ભીના કરી ગયું હતું. ‘બધી ભૂલો સમજાઈ મને એના ગયા પછી, હવે ખુલ્લા દિલે કબુલવાનું જો મળે તો કેવું’ દબાવી રાખીને મેં બોલવા એને ના દીધી કદી, પીડા આંસુની હવે જો મને, સમજવાનું મળે તો કેવું. ( ‘ચમન’ ) ચીમનભાઈ ૮૨ વર્ષની ઉંમરના છે અને પાંચ વર્ષ પહેલાં તેમના પ્રેમલગ્નના પત્નીનો દેહાંત થયો છે. સંસ્થાના ટ્રેઝરર શ્રી. સતિષ પરીખે આભારવિધિ કરી અને રાબેતા મુજબ, ગ્રુપ ફોટોસેશન પછી, સૌ, શ્રી. સતિષ પરીખ અને શ્રી. મનસુખ વાઘેલાએ સ્પોન્સર કરેલા નાસ્તોપાણી કરીને સાંજે છ વાગ્યે વિદાય થયા. અહેવાલ લેખક- શ્રી. નવીન બેન્કર ફોટો સૌજન્ય- શ્રી. જય પટેલ અને ડોક્ટર શ્રી. રમેશ શાહ. નીલમ દોશી  ૨

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.