May 31 2016

જાણીતા કવયિત્રી પન્નાબેન નાયક સાથે એક સોહામણી સાંજ! અહેવાલ- શૈલાબેન મુનશા.

Published by at 9:11 pm under બેઠકનો અહેવાલ

જાણીતા કવયિત્રી પન્નાબેન નાયક સાથે ‘સાહિત્ય સરિતા’ની એક સોહામણી સાંજ!

અહેવાલ- શૈલાબેન મુનશા.

 P1070898 

હ્યુસ્ટન ગુજરાતીસાહિત્ય સરિતાની ૧૬૪મી બેઠકના મુખ્ય મહેમાન જાણીતા અને માનીતા, મહિલા લેખિકા પન્નાબેન નાયક હતા. આ બેઠક ૨૧મી મે, ૨૦૧૬ની બપોરે ત્રણ વાગ્યે, હ્યુસ્ટનના એલરીજ પાર્કના રીક્રીએશન સેન્ટર ખાતે મળી હતી.

આ બેઠકનો માહોલ અનોખો અને હંમેશ યાદ રહેશે. સાહિત્ય સરિતામાં શ્રીમતી પન્નાબેન જેવા પ્રખ્યાત કવયિત્રીની હાજરી હોવી એ માત્ર આનંદનો જ વિષય નથી, એક ગૌરવભરી વાત પણ છે.

બરાબર ત્રણના ટકોરે, શ્રી. નિખીલ મહેતાએ પ્રાર્થનાથી શરૂઆત કરી અને મહાન વૈજ્ઞાનિક શ્રી કમલેશભાઈ લુલ્લાએ પન્નાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતુ. સરિતાના પ્રમુખ ડો. ઈન્દુબેને પન્નાબેનનુ અભિવાદન કરતાં, સભા સંચાલનનો દોર શ્રીમતી દેવિકાબેન ધ્રુવને સોંપ્યો.

કાર્યક્રમના માસ્ટર ઓફ સેરિમની એવા કવયિત્રી દેવિકા ધ્રુવે, પન્નાબેનનો પરિચય આપતાં કહ્યું કે, પન્ના નાયક એટલે અમેરિકાના સૌ પ્રથમ ડાયસ્પોરીક સ્ત્રી લેખિકા. પન્નાબેન ૪૦ થી પણ વધુ વર્ષોથી લેખનપ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમના જીવન અને કવન વિશેની એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે. મૂળ મુંબઈના, પન્નાબેને મુંબઈની વિખ્યાત સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. અને એમ.એ,ની પદવી પ્રાપ્ત કરી હતી. લગ્ન પછી અમેરિકામાં સ્થાયી થવા આવ્યા. ફિલાડેલ્ફિઆની યુનિ.માંથી લાયબ્રેરી સાયન્સની ડીગ્રી મેળવી, પેન્સિલવેનિયા યુનિ.માંથીએમ.એસ. થયા,અને વર્ષો સુધી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં લાયબ્રેરીમાં  કાર્યરત રહીને સેવાનિવૃત્ત થયા. અગત્યની વાત એ કે તેઓ પ્રથમ ડાયસ્પોરિક લેખિકા છે. તાજેતરમાં જ તેમને ઓક્ટો.૨૦૧૫ ગાર્ડી રીસર્ચ ઈનસ્ટિટ્યુટ ડાયસ્પોરા એવોર્ડ એનાયત થયો. પરિચય આપતા, વધુમાં દેવિકાબેને જણાવ્યું કે, પન્નાબેનને ફિલાડેલ્ફિઆમાં લાઈબ્રેરીમા નોકરી કરતાં અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sexton નો કાવ્યસંગ્રહ ‘Love poems’  આંખે વસી ગયો, અને એમના કાવ્યો વાંચતા વાંચતા એ એટલા બધા એ વાતાવરણમા ડૂબતા ગયા, જાણે એમના ખોવાઈ ગયેલા being નો ક્યાંક તાળો મળતો હોય એવું લાગ્યું. એ કાવ્યોની અનુભૂતિએ ગુજરાતી ભાષાને પન્ના નાયક જેવા સમર્થ અને પ્રભાવશાળી લેખિકા મળ્યા.

તેઓ ગુર્જરી ડાયજેસ્ટમાં સતત સહયોગી રહ્યા છે.સાહિત્યકારો, સાહિત્યિક મેળાવડાઓ અને કાર્યક્રમોમાં ગુજરાતી લેખનના સારસ્વત તરીકે એમને અનહદ આદર મળ્યો છે. એમનું કાવ્યસાહિત્ય વિપુલ છે. નિબંધો, વાર્તાઓ, લેખો પણ એટલા જ છે. તેમના ૧૧ કાવ્યસંગ્રહો છે. જેમાં ‘પ્રવેશ’, સૌથી પ્રથમ. ડાયસ્પોરિક ઝુરાપાને કવયિત્રીએ કલાત્મક રીતે કાવ્યોમાં ગુંથ્યો છે. તળ ભૂમિથી છૂટ્યા પડ્યાની વેદના અને આંતર સંઘર્ષના તુમુલયુધ્ધને તેમણે કાવ્યોમાં વાચા આપી છે.

સભાના પ્રથમ દોરમાં પન્નાબેને પોતાના વક્તવ્યમાં પોતાના કાવ્યસર્જનની શરૂઆત કેવી રીતે થઈ એની વાતો કરી. ‘મારી કવિતા’ સંભળાવી અને એનું વિશ્લેષણ પણ કરી બતાવ્યું. ’બિલ્લી’નું કાવ્ય પણ શ્રોતાઓએ મનભરીને માણ્યું.  એઉપરાંત, “ના..ના.. મારે નથી થવું રાધા કે મીરાં, વિશાખા કે ગોપા,

મારે તો રહેવું છે કેવળ પન્ના…પન્ના મોદી…પન્ના નાયક.. “વગેરે કાવ્યો શ્રોતાઓએ મન ભરીને માણ્યા.

કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે પોઝીટીવ એટીટ્યુડ, હિન્દુસમાજ માટે વ્યંગ અને પડકાર, ‘બા’ વિશેનાં કાવ્યો, ન્યુયોર્કના છાપાવાળાની વાત ને..એવું ઘણું બધુ રસપ્રદ કહ્યું. પન્નાબેને પોતાની ખુબ જાણીતી અને યાદગાર કવિતા ‘હોમસીકનેસ’ સંભળાવી હતી.

પન્નાબેન ના  મરાઠી સાહિત્યકાર મિત્ર દિલીપભાઈ અને શોભાબેન ચિત્રે એ એક પ્રોજેક્ટ રૂપે પન્નાબેનના થોડા કાવ્યો મરાઠીમાં અનુવાદ કર્યા અને મુંબઈ ગયા ત્યારે ત્યાંના અગ્રણી સાહિત્યકારોને વંચાવ્યા, પરિણામ સ્વરૂપ “બહિષ્કાર” નામે મરાઠીમા એમનો અનુવાદિત કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. ખુદ પન્નાબેન ના શબ્દોમા કહીએ તો એમને આ અનુવાદિત કાવ્યો વધુ સુંદર અને ભાવવાહી લાગ્યા.

પન્નાબેનને હ્યુસ્ટનના લોકલ કવિઓ અને કવયિત્રીઓને પણ સાંભળવા હતા. એટલે બીજા દોરમાં ધીરુભાઇ શાહ, પ્રવિણાબેન, ચીમનભાઇ પટેલ, શૈલા મુન્શા, ડો.ઇન્દુબેન શાહ, હિંમતભાઈ શાહ અને મનોજ મહેતા જેવા સર્જકોએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી હતી. મનોજ મહેતાએ રજૂ કરેલી નાસ્તિક અને આસ્તિક વિશેની છંદપુર્ણ ગઝલે સારી એવી દાદ મેળવી હતી. વિજયભાઈએ માતૃભાષા સંવર્ધનના મહાગ્રંથ વિશે વાત કરી. મનોરંજન ગ્રુપના નિશાબેન મિરાણીએ અંકિત ત્રિવેદીના ૧૭મી જુને થનાર કાર્યક્રમની સાથે સફળ કવિ, ગઝલકાર અને આઈએએસ ઓફિસર ભાગ્યેશ ઝા ના હસ્તે  ગુજરાતી ભાષાના મહાગ્રંથના વિમોચન વિશે માહિતી આપી.બહારગામના કવયિત્રી રેખાબેન પટેલે પણ એક સરસ કૃતિ સંભળાવી હતી. “ઝાંઝવાના જળ સુરજના તાપથી બળતા નથી અને રણમાં ફરનારા તરસની ઘાતથી ડરતા નથી.” સુરેશ બક્ષીએ કેટલાક મુક્તકો કહ્યા.  પ્રકાશ મજમુદારે એક સરસ ગુજરાતી ગીત ગાઈને સંભળાવ્યું. ભાવનાબેન દેસાઇએ પોતાના સુમધુર કંઠે એક કાવ્ય ગાઇ સંભળાવ્યું જેના શબ્દો હતા- “હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.હું તો રસ્તાની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.”

શ્રી.નવીન બેન્કરે, પન્નાબેનનું એક, એમને ખુબ ગમતું ગીત વાંચી સંભળાવ્યું.

“આ સરવર સરવર રમતાં રમતાં, કમળ કમળ થઈ ખીલ્યાં રે.

આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં, રંગવાદળને ઝીલ્યાં રે.”

છેલ્લે દેવિકાબેને  પોતાની કંપોઝ થયેલી અને જુદાજુદા બ્લોગ પર મુકાયેલી કવિતા

“તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,હુંફાળા હાથ લઈ હાથમાં,

આભના તે વાદળને આવી ગઈ ઈર્ષા,સૂરજને ઢાંક્યો લઈ બાથમાં” સંભળાવી.

હવે સભાનો ત્રીજો દોર ચાલુ થયો. જેમાં પન્નાબેને બા વિશે લખેલા કાવ્યથી શરૂઆત કરી. પન્નાબેનના કાવ્યોમાં પ્રકૃતિના વિવિધ સ્વરૂપો વધુ જોવા મળે છે, તેમ જ નારીની વ્યથા, અપમાન અવહેલના અને સંઘર્ષના  જુદાજુદા રૂપ પણ જોવા મળે છે. એમનુ ગમતું કાવ્ય,

“મારા વિશાળ ઘરના નાનકડાં ખુણામા સ્થપાયેલા મંદિરમાં,

રોજ ઈશ્વર સમક્ષ દીવો કરી, બંધ આંખે પ્રાર્થના કરુ છું ત્યારે” સંભળાવ્યું.

પન્નાબેને ઘણા દીર્ઘ કાવ્યો લખ્યા છે, પણ પછી એમની કલમ હાઈકુ તરફ વળી. “અત્તર અક્ષર” એ એમનો જાણીતો હાઈકુ સંગ્રહ છે. હાઈકુ વિશે જણાવતા પન્નાબેન કહે છે કે, “હાઈકુ એ ફક્ત પાંચ, સાત પાંચ અક્ષરોના પ્રાસ કે જોડકણાં નથી, હાઈકુ જાહેરમાં વાંચવાના નથી હોતા.અનુભવવાના હોય છે. કારણ સત્તર અક્ષરની વાત સરસ પણ હાઈકુ વાંચીએ અને પુરું થઈ જાય, જાણે હાથમાંથી સરી જાય.” હાઈકુમાં એક લાઘવ, એક ચિત્રાત્મકતા હોવી જોઈએ. ઉદાહરણ રૂપે પન્નાબેનના થોડાક હાઈકુ,

૧-અમેરિકામાં,

બા નથી, ક્યાંથી હોય!

તુલસી ક્યારો?

  ૨- ભીંતે તડકો,

લઈ પવન પીંછી,

ચિત્રો ચીતરે! 

૩ – ઉપડે ટ્રેન,

ફરફરી ના શકે,

ભીનો રૂમાલ!

૪ – થયો સમય,

કપડે ચોંટ્યું ઘાસ,

ખંખેરવાનુ!

આવા અગણિત હાઈકુ જે એક ચિત્ર આપણી સમક્ષ રજુ કરે છે. છેલ્લે દેવિકાબેનની વિનંતીને માન આપી પન્નાબેને એક ગીત સંભળાવ્યું જેના શબ્દો,”“સ્હેજ વાયરો અડ્યોને લીલીછંમ પાંદડી લાલલાલ થઈ ગઈ,

સ્હેજ નજરૂં મળીને મારી આંખડી ન્યાલ ન્યાલ થઈ ગઈ”.પન્નાબેન સાથે વિતાવેલો એ બે કલાકનો સમય અમારા માટે પણ ન્યાલ ન્યાલ થઈ ગયો.

અંતમા, સાહિત્ય સરિતાના ખજાનચી સતીશભાઈ પરીખે આભારવિધિ કરી અને પન્નાબેન સાથે સહુએ ગ્રુપ ફોટો પડાવ્યો, જે સંસ્થા માટે કાયમનુ સંભારણુ બની રહેશે.

સાહિત્ય સભર સાંજ પન્નાબેન સાથે માણી, સરિતા તરફથી યોજાયેલ હળવો નાસ્તો કરી સહુ છૂટા પડ્યા.

અસ્તુ, 

 શૈલા મુન્શા  તા.  ૦૫/૨૮/૨૦૧૬

   

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.