Jan 15 2023

૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ.

 

૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ.

 

May be an image of 2 people and text

 

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૦ મી બેઠક, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવારે બપોરે ૨ થી ૪ દરમ્યાન,  સુગરલેન્ડના કૉમ્યુનિટિ હોલ-ઇમ્પીરિઅલ રિક્રિએશન સેન્ટર ખાતે યોજાઈ હતી.

પ્રારંભિક સ્વાગત અને આવકારના ભાવભીના શબ્દો પછી તરત જ પ્રમુખ શ્રીમતી ભારતીબહેન મજમુદારે પ્રાર્થના માટે  શ્રીમતી ભાવનાબહેન દેસાઈને આમંત્રણ પાઠવ્યું. તેમણે  ‘હે શારદે મા, અજ્ઞાનતાસે હમેં તાર દે મા’ ની પ્રાર્થના સુમધુર કંઠે રેલાવી.

                  

                 

સુંદર અને શુભ શરૂઆત પછી નવી સમિતિમાં ઉપપ્રમુખ તરીકે આવેલ શ્રીમતી મીનાબહેન પારેખ અને અન્ય નવા સભ્યોને આવકાર મળ્યો અને તરત જ વક્તવ્યોની શરૂઆત થઈ.

સૌથી પ્રથમ શ્રીમતી પ્રવીણાબહેન કડકિયાએ ઉત્તરાયણની પોતે લખેલી એક સરસ વાર્તા ‘કપાયો છે’ માં રહેલી પતંગ કપાયાની ખુશી!’નો સાર લઘુકથાની જેમ કુશળતાથી રજૂ કર્યો.  શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ પણ આજના વિષયને અનુરૂપ એક સ્વરચિત રચના સરસ રીતે વાંચી સંભળાવી.

‘જિંદગી એક પતંગ અને દોર જેવી, એકમેક વગર બેસહાય અને અધૂરી’ .

ત્યારબાદ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ પોતાની કુશળ કલમને એક કવિતા થકી રેલાવી કે “વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય, બાકીની પળો જીવનનું ચેન હરી જાય . અને બીજી એક, ખુમારીનું ગૌરવ પ્રગટ કરતી ગઝલ રજૂ કરીઃ
“ભીખ જોઈતી નથી, બસ જીતવું છે. દોડ પાકી, સવલતોથી હારવું છે, હર ડગર જીવન ખુશીથી માણવું છે.”

                  

સભાજનોના આનંદમાં વધારો કરતાં શ્રી નૂરુદ્દીનભાઈ દરેડિયાએ તેમના અસ્સલ હળવા મિજાજમાં સંસ્કૃતિની ગહન વાતો કરી..કબીરના દોહા, બ્રહ્માનંદની વાણી, કવિ શ્રી મકરંદ દવેની સુંદર પંક્તિઓ, શ્રી કાકાસાહેબ કાલેલકરના અર્થસભર શબ્દો, ગાંધીજીના સુવાક્યો વગેરેથી માહોલને રંગી દીધો.

તે પછી દેવિકા ધ્રુવે સંસ્થાની, વેબસાઈટની, પુસ્તકોની, નવા વર્ષની, નવા સભ્યોની વગેરે વાતોનો અછડતો ઉલ્લેખ કરી ‘જિંદગી’ વિષયક  સ્વરચિત કવિતા રજૂ કરી. તેના શબ્દો હતાઃ જિંદગી વેળાવેળાની છાંયડી છે, સંજોગની પાંખે ઊડતી પવનપાવડી છે.’ તેના જ સંદર્ભમાં “કોઈ હજી મને ભણાવે છે’ વિષય આપી સૌને લખવા માટે આમંત્રણ આપ્યું અને એ વિશે સંસ્થાના સભ્યો સાથે એક નવા સહિયારા પ્રોજેક્ટની વાત કરી.

એક નવા સભ્ય શ્રીમતી દક્ષાબહેન બક્ષીએ કવિ શ્રી સુરેશ દલાલના ‘ઝલક’ પુસ્તકમાંનું ‘ઈમર્સન’નું એક પાનું વાંચી સંભળાવ્યું. ત્યારબાદ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ નરસિંહ મહેતાનું એક ભજન, “આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે”; વાદ્યવૃંદના સાથમાં અને ‘સખીની સાખી’ સાથે બુલંદ અવાજે પ્રસ્તુત કર્યુ..સ્વરાંકન તેમનું પોતાનું હતું અને સાખીના શબ્દો દેવિકા ધુવના હતાઃ “પનઘટ વાટે ઈંઢોણી સાથે, નટવર નાચે ગોકુળ ગામ”. સૌએ તાળીઓના ગડગડાટથી ભાવનાબહેનને વધાવ્યા. હવે વારો હતો શ્રી હસમુખભાઈ પટેલનો જેમણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ભેદરેખા દર્શાવી તેને અધ્યાત્મ સાથે સાંકળતા પોતાના વિચારો દર્શાવ્યા. તે પછી શ્રી પ્રકાશભાઈ મજમુદારે આગામી ૨૬મી જાન્યુઆરીને લક્ષમાં રાખી  ‘વતનપેં જો ફિદા હોગા” નું જાણીતું ફિલ્મી ગીત સંગીત સાથે રજૂ કર્યું.

        

 

રજૂઆતોનો આ દોર પૂરો થયા પછી પ્રમુખ શ્રીમતી ભારતીબહેને નવા સભ્યોની ઓળખાણ થાય તે હેતુથી સૌ સભાજનોને પોતપોતાના નામો બોલવા માટેની શરૂઆત કરી. તે દરમ્યાન સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે “નેઈમપ્લેટ’નું સૂચન કર્યું જે નવી સમિતિએ અમલમાં મૂકવા માટે સ્વીકાર્યું. બીજાં પણ એક-બે સૂચનો મળ્યાં જેની નોંધ લેવાઈ.

અંતે નિયમ મુજબ સામૂહિક તસ્વીર લેવાઈ અને બટાકાવડાં, ગાંઠિયા, તલસાંકળી વગેરે અલ્પાહાર પછી, મધુર યાદો લઈ સૌ છૂટા પડ્યાં.

 નવા વર્ષની આ બેઠકના આયોજકો, સહાયકો, વક્તાઓ, શ્રોતાઓ અને વાદ્યવૃંદના સભ્યો… સૌને અભિનંદન.

—દેવિકા ધ્રુવ

7 responses so far

7 Responses to “૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ દેવિકા ધ્રુવ.”

  1. ભારતી મજમુદારon 15 Jan 2023 at 6:48 pm

    દેવિકાબેન, શું વાત છે ? આટલો જલ્દી અહેવાલ અને આટલો સુંદર? ખુબ જ વિગતવાર અને બધાના ફોટા સાથે.
    ખુબ ખુબ આભાર દિલથી.

  2. શૈલા મુન્શાon 16 Jan 2023 at 10:23 am

    ૨૦૨૩ની પ્રથમ બેઠકનો અહેવાલ વિગતવાર, સામુહિક અને વ્યક્તિગત તસવીરો સાથે ત્વરિત મુકવા બદલ દેવિકાબહેનનો ખૂબ આભાર.
    “કોઈ હજી મને ભણાવે છે” એક નવો વિષય સભ્યોને જણાવતા દેવિકાબહેને સર્વે સભ્યોને એ વિશે કાંઈક લખવા પ્રેરિત કર્યાં, અને એ રીતે સહુની અંદરનો લેખક, કવિ જાગૃત થાય અને માતૃભાષાનુ સંવર્ધન થાય એ અભિલાષા વ્યક્ત કરી.
    અહેવાલની સાથે ઘણા અગત્યના સૂચન સભ્યો તરફથી રજૂ થયા અને નવી સમિતિએ સૂચનો આવકારતાં એનો અમલ કરવાની ખાતરી પણ આપી.
    નવા વર્ષે ગુ.સા.સ. નુ ગૌરવ વધે એ જ શુભકામના.

  3. Arvind Thekdion 17 Jan 2023 at 10:04 pm

    Great report. Thanks to Devikaben and others for its preparation and presentation.
    Looks like it was a very pleasant and information – fun filled meeting.
    Sorry we missed the meeting. Hopefully we will be there during the next meeting.

  4. ઈંદુ શાહon 18 Jan 2023 at 1:59 pm

    વાહ દેવિકાબહેન,
    સુંદર અહેવાલ ફોટા સાથે, વાંચી આનંદ થયો
    સૌ સભ્યોને લખવા પ્રોસ્તાહિત કર્યાા. તમે આ રીતે પ્રોત્સાહન આપતા રહો અને સાહિત્ય સરિતા વહેતી રહે
    એજ શુભેચ્છા.

  5. Deepak Bhatton 19 Jan 2023 at 5:43 pm

    A very nice report in detail. Thanks, Devikaben.

    A warm welcome to the new executive committee and new members of GSS.

    I also like the idea of putting a photo of the audience. Maybe two photos from different positions (front and back or middle), may give better exposure to all.

    Thanks to all volunteers and program participants.

    Deepak Bhatt

  6. Deepak Bhatton 19 Jan 2023 at 6:08 pm

    Is it possible to have a short website address (e.g. http://www.gss.org or gsshouston.org) for our Gujarati Sahitya Sarita? Possibly Vishalbhai can throw some light on this subject. Thanks.

  7. મીના પારેખon 23 Jan 2023 at 12:17 am

    આ રીતે website નો પરિચય કરાવી દીધો!!
    અને આગામી બેઠકોના અહેવાલ કેવા હોવા જોઇએ તે વિષે માર્ગદર્શન પણ કર્યુ.

    ઘણો જ આભાર !

    ફેબ્રુઆરીની બેઠકમા હું ગેરહાજર રહિશ, પરંતુ માર્ચની બેઠકમા ઉપર મુજબના સુચનો નો અમલ કરવાનો પ્રયત્ન જરૂર થશે.

    એક નમ્ર વિનંતિ! હજુ ઘણા નામ અને ચહેરાઓથી અપરિચિત છું.તો કોઇ ભુલચુક જતી કરશો.

    લિંબુ શરબત ભાવ્યુ કે નહિ ? જરૂર કહેશો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.