Oct 26 2020

ઓક્ટો. ૨૦૨૦ બેઠક નં. ૨૧૩નો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ

Published by at 7:47 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં યોજાયેલ ૨૧૩મી બેઠકઃ
અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ

ગુજરાત ટાઈમ્સ,ન્યૂયોર્કે લીધેલ નોંધ.

ગુજરાત ન્યુઝલાઈન,કેનેડામાં પ્રસિધ્ધ અહેવાલઃ

 

છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતી હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આજ  સુધીમાં ૨૧૨ બેઠકો યોજાઈ ચૂકી છે એની ખાસ નોંધ સાથે વધુ એક બેઠક ૨૫મી ઓક્ટોબર અને રવિવારે ‘ઝૂમ’ના મંચ પર યોજવામાં આવી. આકાશી માંડવે સૌ સ્મિતવદને ગોઠવાયેલ હતા.

 

બરાબર બપોરે ૩ વાગે પ્રવર્તમાન કપરા સંજોગોને અનુરૂપ ‘મામ પાહિ’ની સ્તુતિ દ્વારા શ્રીમતી ભારતીબહેન અને પ્રકાશભાઈ મજમુદારે ભાવભેર બેઠકની શરૂઆત કરી.  ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સૌનું સ્વાગત કર્યું અને સેક્રેટરી શ્રી મનસુખ વાઘેલાએ તાજેતરમાં સંસ્થાના એક ગુમાવેલ સભ્ય શ્રી પ્રકાશભાઈ શાહને માટે શોકજનક સંદેશો, સંસ્મરણો સાથે ( શ્રી સતીશભાઈ પરીખ લિખિત) વાંચી સંભળાવ્યો.

ચીલાચાલુ વિષયોને બદલે આ બેઠકનો વિષય હતો ‘સાહિત્યને સથવારે’. સૌથી પ્રથમ શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટે નવરાત્રિના પર્વને અનુલક્ષીને સ્વરચિત ગરબો રજૂ કર્યો. તે પછી શ્રીમતિ જલિનીબેન દેસાઈએ આસિમ બક્ષી લિખિત એક માનવતાભરી વાર્તા ભાવવાહી રીતે વાંચીને રજૂ કરી. ફતેહ અલીભાઈ ચતુરે આ જીંદગીની સફર દરમ્યાન જન્મના હાલરડાથી માંડીને,નિશાળોની બાળ-કવિતા,યુવાનીના રંગીન ગીતો, શાયરીઓ અને અંતિમ પડાવને અનુરૂપ ‘ચરર ચરર મારું ચક્ડોળ ચાલે’ સુધીની વિવિધ અવસ્થાઓને બખૂબી વર્ણવી અને જુદી જુદી જાણીતી તથા માનીતી યોગ્ય પંક્તિઓને છટાભેર પ્રસ્તૂત કરી. આ રજૂઆત માટેની તેમની  સૂઝ અને તૈયારીને સૌએ તાળીઓથી વધાવી લીધી.

વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને તેમાં ઉમેરો થયો શ્રી પ્રકાશભાઈ મજમુદાર દ્વારા. તેમણે કાઠિયાવાડી ખમીરવંતુ દુલા ભાયા ‘કાગ’નું ગીત ‘ હે જી,તારા આંગણિયે પૂછી જે કોઈ આવે રે તેને આવકારો મીઠો આપજે રે જી. ગાઈને રજૂ કર્યું તો તરત જ તેમના સહધર્મચારીણી શ્રીમતી ભારતીબહેને  શ્રી અવિનાશ વ્યાસનું “પિયરને પીપળેથી આવ્યું પારેવડું’ ગાયું. ગીતના આ વળાંક પછી શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ સાહિત્ય અને સુવિચારોની સરસ વાતોનું સંધાન કરતા જણાવ્યું કે, સાહિત્ય અને સુવિચારોની સરિતા એટલે ગુજરાતી સાહિત્ય સરિતા અને ખરાબ વિચાર પર સારા વિચારોનો વિજય એટલે દશેરા.” સાહિત્યની જ વાતને આગળ વધારતા શ્રીમતી ઈન્દુબહેન શાહે સાહિત્યના કેટલાંક જુદા જુદા પ્રકારો જેવાં કે વાર્તા,પ્રવાસ વર્ણન, લેખ, કવિતા વગેરે અંગેની મૂળભૂત વાતોને પ્રસ્તૂત કરી, થોડા ઉદાહરણો સાથે છણાવટ પણ કરી.

ત્યારબાદ બેઠકનો દોર સંગીત તરફ વાળતા શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ સૂરસામ્રાજ્ઞી સ્વ. કૌમુદિનીબહેન મુનશી સાથેના સંસ્મરણોને યાદ કરી એક સુંદર ‘સેમી ક્લાસીકલ’ ગીત મધુર કંઠે ગાઈ સંભળાવ્યું. નીનુ મઝુમદારનું ગીત. શબ્દોઃ
‘વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે.
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી… જાતાં ડર લાગે’.

તે પછી બેઠકમાં એક નવો રંગ ભર્યો શ્રી નીતિનભાઈ વ્યાસે. તેમણે શ્રી જ્યોતિન્દ્ર દવેની હાસ્યરસની વાતોથી સૌના ચહેરા પર અને એ રીતે ઝૂમના સ્ક્રીન પર હાસ્યનું મોજું ફેલાવ્યું. તો વળી તરત જ એ જ રંગને ઘેરો કરતા શ્રી પ્રશાંત મુન્શાએ શ્રી રઈશ મનીઆરની  ખૂબ જ જાણીતી હઝલ, “પૈનીને પહતાય ટો કે’ટો ની..અસ્સ્લ સુરતી લ્હેંકાથી રજૂ કરી. ત્યારબાદ શ્રી નુરુદ્દીનભાઈ દરેડિયાએ “તારા કેસરિયા ફેંટાના રંગનું ફૂમતું” વાંચી સંભળાવ્યું.

સમય સરતો જતો હતો. દર્શકોની મઝામાં વધારો થતો દેખાઈ આવતો હતો. ત્યાં સૂકાની શ્રીમતી શૈલાબેને  વિશ્વના વર્તમાન વિપરીત સંજોગોને પ્રતિબિંબિત કરતી એક સ્વરચિત તાજી ગઝલ રજૂ કરી. તેમના બે મઝાના  શેરઃ
રામ-રાવણ માનવીની આરસી,
માણસાઈ બસ જગાવી જાણવું“
કોણ જાણે આ ઘડી ટળશે કદી?
મન ખુશીથી તો રિઝાવી જાણવું.”

છંદગૂંથણી દ્વારા ગઝલ ક્ષેત્રે તેમનો વિકાસ નોંધનીય રહ્યો.

ત્યારબાદ આ અહેવાલ લખનાર દેવિકા ધ્રુવે  સત્વશીલ સાહિત્યની સવિશેષ નવી વાતો કરી. તે માટે સરસ્વતી સન્માન પામેલ આજના ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદના પ્રમુખ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની ‘નોળવેલની મ્હેંક’ની સવિસ્તાર સમજૂતી આપી. તેનો સાર એ છે કે, કોરોના નામના સર્પની સામે પ્રજારૂપી નોળિયાએ નોળવેલ (નામની વનસ્પતિ)ની મ્હેક એટલે કે, સાહિત્યની સુગંધ ધરીને આ કપરા સમય/સંજોગ સામે ઝઝુમવાનું છે. એક નાનકડા વિષાણુ સામે વિજાણુ ધરી ખેલવાનું છે અને ઉપાધિયોગને સમાધિયોગ થકી હરાવવાનો છે. ઊંચા,ઊંડા અને સત્વશીલ સાહિત્યના સર્જન માટે વિશાળ વાંચન,અભ્યાસ,આયાસ અને રિયાઝ દ્વારા વિકાસ કરવાનો છે.


એટલી વાત પછી  ‘સંભવામિ યુગેયુગે’ કહેનારને બોલાવતું સ્વરચિત  આરત-ગીત રજૂ કર્યું . કેટલીક પંક્તિઓ છેઃ

“આજ કોરું, સૂકું ને સાવ અકારું લાગે.
તમે આવો ઘડીભર તો સારું લાગે.”
પાસે બેસીને કા’ન વાતો કરીને,
તમે ફેરવો જો હાથ હરિ-યાળું લાગે.
કોઈક મારું લાગે,કંઈક ન્યારું લાગે,
હવે આવો ઘડીભર તો સારું લાગે.

સમયને લક્ષમાં લઈ, બાકી રહેલ સાહિત્યના એક સ્વરૂપ, અંગ્રેજી કવિતાનો અનુવાદ  ‘બે નારીઓના રૂપ’ પણ શૈલાબહેને પ્રસ્તૂત કર્યો. તે પછી સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી ચારુબહેન વ્યાસે બોલીની શરૂઆત અને વિકાસની થોડી ઝલકભરી વાતો કરી અને સૌ સભ્યોનો દિલથી આભાર માન્યો.

 બેઠકના અંતમાં  પ્રમુખે  સમાપન કરતા જણાવ્યું કે આગામી વર્ષ માટે નવી સમિતિની નિમણૂંક કરવાનો સમય આવી પહોંચ્યો છે. તો નેતાગીરી સ્વીકારવા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવી નિયમો મુજબ સાહિત્યની સરિતાને વહેતી રાખવા કટિબધ્ધ થઈએ. ઓક્ટોબર મહિનામાં મૂકાયેલ આ વિચારબીજના મુદ્દાને આવતી બેઠકમાં આગળ વધારીશું.

‘સાહિત્યને સથવારે’ વિષયને યોગ્ય ન્યાય આપતી, આજની બેઠક સાચા સાહિત્ય રસિકોના સાથમાં સંપૂર્ણ રીતે સફળ રહી.  સાહિત્યના વિવિધ પ્રકારોને સ્પર્શતી ૨૧૩મી આ બેઠકના આયોજકો અને તમામ સભ્યોને ધન્યવાદ.

દેવિકા રાહુલ ધ્રુવ

હ્યુસ્ટન.

 

 

4 responses so far

4 Responses to “ઓક્ટો. ૨૦૨૦ બેઠક નં. ૨૧૩નો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ”

  1. Indu Shahon 26 Oct 2020 at 8:32 pm

    દેવિકાબહેન,
    સુંદર વિગતવાર અહેવાલ .
    ઈન્દુ શાહ
    .

  2. જનાર્દન શાસ્ત્રીon 26 Oct 2020 at 11:20 pm

    ખૂબ ઝડપી અને સુંદર વિગતવાર અહેવાલ

    જનાર્દન શાસ્ત્રી

  3. ભારતી મજમુદારon 27 Oct 2020 at 9:09 am

    સરસ અને વિગતવાર અહેવાલ માટે દેવિકાબેન આભાર.
    દરેક વખતની જેમ આ ઝૂમ બેઠક પણ ઘણી રસપ્રદ, વૈવિધ પૂર્ણ હતી. એ માટે બધાનો ખુબ આભાર.
    good job. 👍👍👍🌹🌹🌹

  4. શૈલા મુન્શાon 27 Oct 2020 at 8:31 pm

    થોડી ટેકનિકલ ખામી હોવાં છતાં સહુ સભ્યોના સાથથી ઓક્ટોબર ૨૦૨૦ ની આપણી બેઠક ઝમકદાર રહી. સાહિત્યના સથવારે આપણે ક્યાં ક્યાં ફરી આવ્યા. ગીત. ગઝલ, લેખ, વાર્તા હાસ્યરસ અને છેલ્લે “નોળવેલની મ્હેંક” માણી સહુ છૂટા પડ્યા.
    ઘણા વખતે ફરી રિપોર્ટ હાથે લખી ટાઈપ કરવાનો વારો આવ્યો, અને પૂર્વ તૈયારી ન હોવાથી અમારી વિટંબણા સમજી દેવિકાબહેને સ્વેચ્છાએ અહેવાલ લખવાની જવાબદારી સ્વીકારી, અને પ્રકાશભાઈ, ભારતીબહેને ફૉટા મોકલી કામ સરળ કરી આપ્યું
    સહુનો દિલથી આભાર.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.