May 29 2019

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ

Published by at 7:28 am under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે જૂઈમેળાનો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ

તા.૨૭મી મેના રોજ, ઑસ્ટીન પાર્કવે,સુગરલેન્ડના કોન્ફરન્સ સેન્ટરમાં, સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૯૭મી બેઠક યોજાઈ અને ઉજવાઈ.

લીલાંછમ્મ પાંદડા પર  મઘમઘ  મહેંકતા, ઝીણાં ઝીણાં શ્વેત ફૂલોની ડીઝાઈનથી શોભતા આ માતૃભાષાના માંડવે,સવારના અગિયાર વાગ્યાથી જ સેવાભાવીઓની ચહલપહલ  શરૂ થઈ ચૂકી હતી. બરાબર બાર વાગે પ્રીતિભોજનને ન્યાય આપી નિર્ધારિત સમયે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

        
તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને  શ્રી ગીરીશ વ્યાસ

જૂઈમેળાના પ્રણેતા અને પ્રતિભાશાળી કવયિત્રી ડો. ઉષાબહેન ઉપાધ્યાયની હાજરીમાં, ભાવનાબહેન દેસાઈના સુમધુર કંઠે સરસ્વતીની પ્રાર્થનાના સૂરો રેલાયા. સંસ્થાના પ્રમુખ શ્રી ફતેહઅલી ચતુરે, આજના મેમોરીઅલ ડેને અનુલક્ષીને વિશ્વભરના શહીદોના સ્મરણ સાથે, કાવ્યાત્મક રીતે મહેમાનનું સ્વાગત કર્યુ, ઉપપ્રમુખ શૈલાબહેન મુનશાએ મહેમાનનો સુંદર રીતે સવિશેષ પરિચય આપ્યો અને સૂત્રધાર દેવિકાબહેન ધ્રુવે મોસમ આવી છે સવા લાખની’, કહી ઉમળકાભેર ઉષાબહેનને તેમના સાહિત્યિક વક્તવ્ય માટે મંચ પર આમંત્ર્યા.

ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.ઉષાબહેને  ગૌરવવંતા અને પ્રસન્ન ચહેરે સૌનું સ્વાગત કરી વક્તવ્યનો આરંભ કર્યો. સૌથી પ્રથમ તો જૂઈમેળાની પૂર્વભૂમિકા, નામકરણ અને પ્રસારની રસપ્રદ માહિતી આપી. પુરોગામી સ્ત્રી લેખિકાઓના ઊંડા સંશોધન પછી તૈયાર કરેલા પુસ્તકો  શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’, ‘રાધા કૃષ્ણ વિના બીજું બોલ માઅને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષાની સવિશેષ માહિતી આપી. સાથે સાથે તેમણે પુરોગામી કવિઓની ઉત્તમ પંક્તિઓ ટાંકી કવિતા એટલે શું?, કાવ્યત્ત્વ કેવું અને ક્યાં ઝબકતું હોય છે તે તથા કાવ્યસર્જનની પ્રક્રિયા  વગેરે સ્વાનુભવો સાથે સુપેરે સમજણ આપી. રવિન્દ્રનાથ ટાગોર, ખલીલ જીબ્રાન, રમેશ પારેખ,રાજેન્દ્ર શાહ વગેરેના ઉલ્લેખ વખતે, તેમના ચહેરા પરનો સાહિત્યપ્રીતિનો હિલ્લોળ શ્રોતાઓને પણ ભીંજવતો હતો અને ખૂબ આનંદ આપતો હતો.

૧.ભાવના દેસાઈ ૨.સૂચી વ્યાસ ૩.પ્રવીણા કડકિયા ૪.શૈલા મુન્શા ૫.દેવિકા ધ્રુવ.૬.અવની મહેતા.

કાર્યક્રમના બીજાં દોરમાં  ડો.ઉષાબહેનની ઇચ્છા મુજબ કેટલાંક  સ્થાનિક સર્જકોની કૃતિઓ રજૂ કરવામાં આવી. નોર્થ અમેરિકાની લીટરરી એકેડેમી અને સાહિત્ય સંસદના સભ્ય શ્રીમતી સુચીબહેન વ્યાસે બાનું એક સુંદર રેખાચિત્ર  વાંચી સંભળાવ્યું. પ્રવીણાબહેન કડકિયાએ  તાજેતરમાં બનેલી સુરતની દુઃખદ ઘટના વિશેની વેદના અછાંદસ કૃતિરૂપે રજૂ કરી. તે પછી સૂત્રધારે આ જૂઈમેળાશી બેઠકમાં મોગરાની મહેંક પણ ભેળવી છે કહી, સ્ત્રી-પુરુષની સમાનતાના પ્રતીકરૂપે ભાઈઓને પણ આવરી લીધા. તે રીતે ચમન તખલ્લુસથી લખતા શ્રી ચીમનભાઈ પટેલે પોતાની ખૂબ જાણીતી થયેલી હળવી રચના: 
 નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીધા! સેલ-ફોન પર શાક્ભાજી પણ વેચતા કરી દીધા!  સંભળાવી જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધી. ત્યારબાદ  પ્રસન્નવદના શૈલાબહેને કોઈ રાહ બની તો કોઈ રાઝ બની ધબકે છે,સમજો તો કોઈ આશ બની ધબકે છેરજૂ કરી.

તે પછી  દેવિકાબહેન ધ્રુવે, ચંદ્ર  પરથી  નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા લેવાયેલ તસ્વીર જોઈને લખેલ એક ગઝલ પૃથ્વી વતન  કેવાય છે.પ્રસ્તૂત કરી જેમાંનો એક શેર :
હું કોણ છું ને ક્યાંનો છું , પ્રશ્નો  નકામા લાગતા,આજે જુઓ આ વિશ્વનું પૃથ્વી વતન  કેવાય છેદ્વારા શ્રી ઉમાશંકરભાઈનો વિશ્વમાનવનો ભાવ પ્રગટ કર્યો.ત્યારબાદ  નાસાના સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક  ડો. કમલેશ લુલ્લાએ તે વિશે બે શબ્દો કહી સભાની શાન વધારી. તે પછી સાચા સાહિત્યપિપાસુ  અને નાટ્યપ્રેમી શ્રી ફતેહ અલીભાઈએ  કવિ શ્રી રઈશ મનીઆરની હઝલ યાદ કરી અને હિન્દી કવિ શ્રી અશોક ચક્રધરની એક અતિ ટૂંકી રચના ‘ खाल मोटी है’ રજૂ કરી. સમય ઝડપથી સરતો જતો હતો.

સભાના ત્રીજા અને મહત્વના દોરમાં ડો. ઉષાબહેને કવિતાનો રસથાળ પ્રેમથી ધરી દીધો. ગીત,ગઝલ અને અછાંદસ રચનાઓથી બેઠક છલકાઈ ગઈ.વરસાદના આરંભથી ઉઘાડ સુધીના દ્રશ્યોને ખડાં કરી દેતી જળબિલ્લોરીની  રજૂઆત  કરી.
 ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું  જોર અને છે જળબિલ્લોરી. અને  કેટલાંક  કાબિલેદાદ શેરઃ
ન માનો એમ અમે હારી જવાના, ભલે આપો પથ્થર તરાશી જવાના.’,

મળ્યું ઘર ગાર-માટીનું ને દીવો શબ્દનો બળતો.
ગયા ભવનો ચરુ ઉકળે, કવિતા એ જ સરજાવે.અને

એ સહુને પોતાના ગણે છે,વેદના હર દિલમાં વસે છે.
ખાસ નાતો હશે અમારે
,દૂર જઈ ક્યાં વસે છે?  તથા

 છે એ જ નિયમ દૂનિયાનો કે જો હેમ બનો તો તાવે છે’..વગેરે શેર એક અનોખા અંદાઝમાં રજૂ કર્યા.

તે ઉપરાંત લયઝરતા ગીતો  જેવાં કે પાંદડી’,’સોગાતમા’, મેશઅને ઊંટજેવી ગંભીર રચનાઓ, તો કેટલીક  ફોન’, ‘રેવાઅને તાજા કલમ જેવી અછાંદસ કવિતાઓ પણ પ્રસ્તૂત કરી. અંતમાં સમયને નજર સામે રાખી પ્રચંડ ચંડ આંધીએજેવી શિવરાત્રી જાણે પવિત્ર સ્તોત્ર જેવી લયબધ્ધ કવિતા સંભળાવી.. કેટલાંક ગીતોની પંક્તિઓ  હજી કાનમાં ગૂંજે છે કે પાથરણું પાથરીને બેઠીતી પાંદડી, પિત્તળનું બોઘરણું પાસે મૂકી.’ આમ,અતિ સહજ અને સરળતાથી કાવ્યાનંદ આપી આ સાક્ષર કવયિત્રીએ સૌનો આભાર માની,ભારતમાં થનાર આગામી ‘જૂઈમેળા’ની વિગતો આપી  પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

અંતમાં, સંસ્થાના ખજાનચી શ્રીમતી અવનીબહેન મહેતાએ સૌ સભ્યો,સહાયકો, Food sponsor શ્રી કીરીટભાઈ ભક્તા અને શ્રોતાઓનો આભાર માન્યો. સાહિત્ય સરિતાની કમિટીએ સાથે મળી ઉષાબહેનને  સન્માન પત્ર, સંસ્થાના ઈતિહાસની ઝાંખી કરાવતું  પુસ્તક અને ખાસ તો  ડો. કમલેશ લુલ્લાના સૌજન્યથી, હ્યુસ્ટનની  Fortbend County Judge Proclamation Award અર્પણ કર્યો.
હ્યુસ્ટનના કેટલાંક આગામી કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી.


                               ગુ.સા.સ.ના સભ્યો અને મહેમાનો

આમ, ગરવા ગુજરાતી અને બિન-ગુજરાતી શ્રોતાઓની મધ્યે માતૃભાષાની ગાથા ગૌરવભેર ગવાઈ. મોસમ પણ મઝાની હતી.  સરિતાને તીર એવો ઉમટ્યોતો મેળો, જાણે ઉપવનમાં મ્હેંકતો જૂઈનો વેલોએવા ભાવ સાથે સામૂહિક તસ્વીર લેવામાં આવી અને સૌ  કાવ્યના આનંદ અને સંતોષ  સાથે સાંજે ૪ઃ૦૦ વાગ્યે વિખેરાયા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

Email: Ddhruva1948@yahoo.com

https://devikadhruva.wordpress.com/

http://devikadhruva.gujaratisahityasarita.org/

**************************************************************

by Indo American News on June 1, 2019.Epaper
Saved under Arts & CultureCommunityHeadlines
Tags: 

Gujarati Sahitya Sarita Celebrates ‘Juimela’ Festival 

BY DEVIKA DHRUVA

SUGAR LAND: On 27th May, the 197th meeting of GSS (Gujarati Sahitya Sarita) was held and celebrated in the name of ‘Juimela’ at Austin Parkway, Sugarland’s conference center. The GSS, Houston team had invited a main guest speaker Dr. Usha Upadhyay, who is a scholar of Gujarati language having Ph.D. degree, earned many awards for her work and also is a great poet and professor at Gujarat Vidyapith in Ahmedabad. Houston’s poet Devika Dhruva was an Emcee of the function.

In the beginning, Bhavna Desai sang prayer of Saraswati. The president of GSS, Fateh ali Chatur, welcomed the guest, Vice President Shaila Munshaw gave a detailed introduction of Dr.Usha Upadhyay and an Emcee Devika Dhruva invited the main speaker to the forum for her speech.

Dr. Ushaben presented interesting information about the background of the name ‘Juimela”, encouragement and inspirations of women’s creations, her deep research work of various books about female writers, and provided the complete information of her recently published ‘America Resident Gujarati Literature and Mother Tongue’. Book. At the same time, she gave a good explanation to the excellent verses of process of poetry, its climax and various forms of poems etc… While referring to Rabindranath Tagore, Khalil Gibran, Ramesh Parekh, Rajendra Shah, the audience of literature was enjoying her expressions and a style of presentation.

The second part of this event was for local poets’ presentation. Devika Dhruva, Pravina Kadakia, Chiman Patel, Shaila Munshaw, Dr. Kamalesh Lulla and Fateh Ali had presented their poetries in Gujarati in front of everyone. Their theme was various like current events, Technology, peace on earth, philosophical and light mode of thoughts etc.. GSS is rich for these activities since last 19 years. They were warmly welcomed by audience.

The third part was again by Dr. Ushabahen’s poetry. She recited her many poems of Geet, Gazal and also of prose version of feelings. Some of the lines of her gujarati poems got non-stop clapping and standing ovation also.

The meaning of the lines (translated) were like this: “the wounds and pain remain with all but it may have special attachment with me as never gone away!! And other one is this: “It may be a rule of world, if you are gold, they let you burn more!! “

At the end, the secretory of the institution, Avani Mehta had given vote of thanks and Sahitya Sarita committee awarded a letter of honor to Dr.Usha Upadhyay, a book of an overview of the organization’s history and also Houston’s Fort bend County Judge Proclamation letter was also awarded. Salute to the GSS committee, all volunteers, sponsor Kirit Bhkta and of course audience.

 Devika Dhruva

5 responses so far

5 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ”

  1. Dr. Sarita Mehtaon 29 May 2019 at 9:08 am

    Congratulations for the great successful well organized program.

  2. Indu Shahon 29 May 2019 at 9:20 am

    ડો ઉષાબહેન ઉપાધ્યાયના ભાવમય સાહિત્યિક વ્યક્ત્વયથી ગુજરાતી
    સાહિત્ય સરિતાના સભ્યો પણ ભાવલીન થઈ ગયા હતા.

  3. શૈલા મુન્શાon 29 May 2019 at 10:13 am

    ખુબ સુંદર, માહિતિસભર અને યથોચિત ફોટાથી મઢાયેલ અહેવાલ.

  4. Bharat Shuklaon 29 May 2019 at 2:34 pm

    શ્રીમતી ઉષાહહેન ની રજુઆત ખૂબ સુંદર અને માહીતીસભર રહી. સર્વે હાજર સભ્યોએ ખૂબ માણ્યો. ઉત્તરોત્તર કાર્યક્રમનું સંચાલન વધુ સુંદર થતું જાય છે. ખૂબ ખૂબ આભાર સંચાલકોનો. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  5. Navin BANKERon 29 May 2019 at 7:47 pm

    ખુબ સુંદર, માહિતિસભર અને યથોચિત ફોટાથી મઢાયેલ અહેવાલ.
    Navin Banker

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.