Oct 04 2023

૨૪૯મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ

Published by at 8:39 am under બેઠકનો અહેવાલ

 Published in Gujarat Times: Octo  20, 2023

Published in ‘ગરવી ગુજરાત,યુ.કે. સાપ્તાહિક નં.૨૭૭૦:  Octo 2023.

 

Published in News of Gandhinagar….Daily.. ated October 6 2023

Published in ‘Rashtra Darpan’ of Octo 2023.

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ  “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત કવિ ડૉ. વિનોદ જોશીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું..

  

સૌથી પ્રથમ સાંજના ચાર ને દસ મિનિટે પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે  સૌનું સ્વાગત કર્યું, જરૂરી સૂચનાઓ અને માહિતી આપીને સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રીમતી મીના પારેખને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. મા શારદાની  સુંદર પ્રાર્થના બાદ કાર્યક્રમના ‘સ્પોન્સર્સ’દ્વારા આમંત્રિત કવિશ્રીનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું.

    

ત્યારબાદ  શ્રીમતી દેવિકા ધ્રુવે આજના મંચને કવિતાના તીર્થધામ તરીકે બિરદાવી “આજની ઘડી રળિયામણી” કહી પ્રારંભ કર્યો.  તેમણે કાવ્યમય શૈલી થકી કવિ ડો.વિનોદ જોશીની જ લખેલ પંક્તિઓ દ્વારા કવિશ્રીની કલમનો સંક્ષિપ્તમાં પરિચય આપી સભાજનોને સવિશેષ માહિતગાર કર્યા.  તે પછી સંસ્થાના પ્રથમ ૧૫ વર્ષના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક ભેટ ધર્યું અને કવિનાં ગીતોની ઝલક દર્શાવવા માટે શ્રીમતી ભાવના દેસાઈને આમંત્રણ આપ્યું.  તેમણે મધુર કંઠે “ કચકડાંની ચૂડી રે, મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ? સપનાનું સાંબેલું લઈને, ઉજાગરાને ખાંડું રે! સહિયર શું કરીએ?” અને
“સખી! મારો સાહ્યબો સૂતો
ફળીયે ઢાળી ઢોલિયો,હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં……એમ બે ગીતો ગાઈ સંભળાવ્યાં. વાતાવરણમાં  કવિનાં ગીતોનો, લયનો અને શબ્દોનો  રંગ રેલાવા માંડ્યો.

     

ગીતોની રમઝટ પછી પ્રમુખે સભાનો દોર ડો.શ્રી વિનોદ જોશીને સોંપ્યો. શરૂઆતમાં તેમણે શબ્દ સાથેનો પોતાનો નાતો, શબ્દનો મહિમા, નારીભાવની કવિતા વગેરે અંગે સ્પષ્ટતાભરી સમજૂતી આપી, સર્જનપ્રક્રિયા દર્શાવી અને નરસિંહ મહેતાનો ઉલ્લેખ પણ કર્યો. તે ઉપરાંત પોતાનું ગામ, બાળપણ, ગામમાં કરેલાં કામો, પારિવારિક વારસો વગેરે સંભારણાં રજૂ કરતા ગયા; તે સાથે જ સભામાં સાહિત્યિક રંગો ઘેરા થતા ગયા. તે પછી  કવિતાઓની શરૂઆત કરતાં પહેલાં, પ્રથમ તેમની લાક્ષણિક ઢબે સરસ્વતીની પ્રાર્થના આરંભી કે “વીજળીયું વેડીને લેખણ કીધી, સરસ્વતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો… ને પછી તો એક પછી એક કવિતાઓની રજૂઆત થતી ગઈ. નારી સંવેદનાનાં  જાણીતાં ગીતો ઉપરાંત  નવા કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ની કેટલીક રચનાઓ પણ સંભળાવી. ખૂબ લોકપ્રિય થઈ ગયેલ ગીતો જેવાં કે, (૧) ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી (૨) તું મીઢળ જેવો કઠણ ને હું નમણી નાડીછડી (૩) તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી  (૪) પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું? અને (૫) ભારે ઉતાવળા.. વગેરે કવિતાઓને શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.


કેટલાંક ગીતો ગાઈને રજૂ કર્યા અને કેટલાંક ગીતોનું પઠન કર્યું. વાતાવરણ કવિતામય બનતું જતું હતું.  તે પછી સોનેટ,અછાંદસ અને દીર્ઘકાવ્યના રચયિતા આ કવિએ વળાંક લીધો અને થોડી જુદા ભાવની કવિતાઓ એના મર્મ સાથે પ્રસ્તુત કરી. જેમકે, ‘ઝાડ એકલું અમથુંઅમથું જાગે’ અને વાવાઝોડાનું વર્ણન કરતું, પૃથ્વી છંદમા રચેલું “ECSTASY” ‘ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમા સોંસરી, ખચાક ખચખચ્ ચીરી’… જેવાં ગર્જનાત્મક શબ્દોયુક્ત કાવ્ય પણ સુપેરે સંભળાવ્યું.

   

ત્યારબાદ સભામાંથી અષ્ટનાયિકાનો પ્રસ્તાવ થયો અને કવિએ થોડી અષ્ટનાયિકા, જેવી કે, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, સ્વાધીનભર્તૃકા,ખંડિતા વગેરે વિશે વાત કરી અને તેમાંની એક ‘કલહાંતરિતા’ની કવિતા ‘મુજથી સહ્યું ન જાય, આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય’ રજૂ કરી. તે પછી વિનોદભાઈએ ખૂબ લોકપ્રિય બનેલ ‘સૈરંધ્રી’ વિશે સમજૂતી આપી કહ્યું કે, સ્વયંને છુપાવીને,  પોતે એક રાણી હોવા છતાં, બીજા દેશની રાણીની દાસી બનીને રહેતી દ્રૌપદીની માનસિકતા, એની વિડંબના વિશેની એમાં વાત છે. આમ જુઓ તો માનવી પોતે જે કંઈ છે તેનાથી જગતને જુદો બતાવતો હોય છે. તો એ કાયમી અજ્ઞાતવાસ જ છે; એટલે કે, અંગત વિશ્વની વિડંબનાનું  એ એક રૂપક છે! એમ જણાવી સૈરંધ્રીનો એક અંશ વાંચી સંભળાવ્યો.

 

આમ કવિતાનાં જુદાંજુદાં પરિમાણોનું સુંદર આચમન થયું. જો કે, વચમાં એકવાર ફરીથી નારી સંવેદનાનાં કાવ્યો આવતાં જતાં હતાં! જેમ કે, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ’, ‘જો આ રીતે મળવાનું નહિ’, ‘ મારા ઘરમાં તારો દીવો, તારા ઘરમાં મારો’, ‘મુંબઈ સમાચાર વાંચે મારો સાહ્યબો અને  ‘ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું’ વગેરે. ત્યારબાદ છેલ્લે, ‘આ માછલી તો આવે પણ માછલીની ભેળો આ દરિયો પણ આવે છે, એ દખ’ કાવ્ય સંભળાવી તેમના ટૂંકા વક્તવ્ય સાથે સમાપન કર્યું. આમ, ભાવજગતમાં તલ્લીન થયેલ સૌ સભાજનોએ ઊભાં થઈ  અવિરત તાળીઓની ગૂંજથી કવિ શ્રી વિનોદ જોશીનું સ્નેહપૂર્વક અભિવાદન કર્યું.

   

બેઠકને અંતે, દેવિકા ધ્રુવે કવિ માટે સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટના હસ્તે કવિને સુપ્રત કર્યું, ભારતી મજમુદારે સૌનો આભાર માન્યો અને ખજાનચી શ્રી પ્રફુલ ગાંધીએ યથોચિત રીતે કવિને પુરસ્કૃત કર્યા.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ  સાહિત્યરસિક ભાઈબહેનો છૂટાં પડ્યાં.

આ આખીયે બેઠક રસપ્રદ રહી, કવિતામય બની રહી. સુંદર આયોજન માટે સમિતિને અને અન્ય સૌ સહાયકો, દાતાઓ તેમજ ફોટો-વિડીયો લેનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

 

 

 

6 responses so far

6 Responses to “૨૪૯મી બેઠકઃ અહેવાલઃ દેવિકા ધ્રુવ”

  1. ભારતી મજમુદારon 04 Oct 2023 at 12:54 pm

    દેવિકાબેન ખુબ જ સરસ અને વિગતવાર અહેવાલ લખવા બદલ ખુબ ખુબ આભાર સાથે અભિનંદન!!
    ખરેખર આખો પ્રોગ્રામ રસપ્રદ રહ્યો. શ્રી. વિનોદભાઈ ની બોલવાની છટા અને એમની જ કવિતાઓ એમના અવાજ માં સાંભળવાનો લ્હાવો અનેરો રહ્યો. જાણે સોનામાં સુગંધ ભળી. વિનોદભાઈ માટે ઘણા સારા અભિપ્રાય આવી રહ્યા છે.
    તમે પણ સમય આપીને સરસ સન્માનપત્ર બનાવી અર્પણ કર્યુ, ખુબ સારું કર્યું.
    અંતે બધા જ સભ્યો અને મહેમાનોનો ખુબ ખુબ આભાર!! એમના સાથ સહકાર વગર આટલો મોટો પ્રોગ્રામ સફળ ન બની શકે.💞💞
    ભારતી મજમુદાર. 🙏🙏

  2. મીના પારેખon 05 Oct 2023 at 10:40 am

    ખરેખર સચોટ અને સંપુર્ણ અહેવાલ ! આવા પ્રખર સાહિત્યકારે આપણી નાનકડી સભામા આવીને તેઓની અદ્ભૂત રચનાઓનો રસાસ્વાદ કરાવ્યો તેજ આપણા સૌના અહોભાગ્ય.

  3. જનાર્દન શાસ્ત્રીon 05 Oct 2023 at 3:44 pm

    ખુબ જ સુંદર અને માહિતી સભર અહેવાલ બદલ દેવિકાબેનને અભિનંદન.કાર્યક્રમ ખુબ જ સુંદર રહ્યો
    કવિ જ્યારે પોતાની કવિતા પોતાની આગવી શૈલી રજુ કરે,ત્યારે સાંભળવાની મજા કંઇક ઓર જ હોય છે.
    કવિ શ્રી વિનોદ જોષી અતિ સુંદર રજુઆત કરી, માણવાની મજા પડી.
    જનાર્દન શાસ્ત્રી

  4. શૈલા મુન્શાon 06 Oct 2023 at 10:40 am

    ડો. વિનોદભાઈ જોશી જેવા સિધ્ધહસ્ત કવિના કાવ્યો ગીતો જેવા વિવિધ સાહિત્ય પ્રકારનો અહેવાલ દેવિકાબહેન જેવા કવયિત્રિ લેખિકાની કલમે જ્યારે લખાય તો દૂર રહ્યે પણ સભામાં હાજર હોવાની અનુભૂતિ થાય.
    ગુ.સા.સના પ્રમુખ ભારતીબહેન અને સમસ્ત કમિટી મેમ્બરને આવા સુંદર સાહિત્યસભર કાર્યક્રમનુ આયોજન કરવા બદલ હાર્દિક અભિનંદન.

  5. મીના પારેખon 06 Oct 2023 at 2:41 pm

    હવે જરા નિરાંતે અહેવાલ વાંચ્યો તો થયુ કે હજુ કહેવાનું બાકી છે.
    દેવિકાબહેન, આપે એક તો સમયસર અને બીજું સુંદર અને સુવ્યવસ્થિત; પૂરા પ્રસંગનો ચિતાર આપ્યો છે અને શ્રી વિનોદભાઇના વ્યક્તવ્યની તમામ વિગતોનો ઉલ્લેખ બરોબર કર્યો છે; બેશક! આવા કદાવર સાહિત્યકારને યોગ્ય ન્યાય આપનીજ મંજાયેલી કલમ આપી શકે. આપનો ઘણોજ આભાર અને અભિનંદન !
    ભારતિબહેન, બેઠક-પ્રસંગના પહેલા વિચારથી માંડી છેક સુધી આપ સતત કાર્યરત રહ્યા છો અને આયોજન અંગેની સર્વ બાબતો પર ખૂબ ઝિણવટથી ધ્યાન આપ્યું. અને વેકેશન દરમ્યાન પણ સમિતિનું માર્ગદર્શન અને નિર્દેશન કર્યું તે વાત ખરેખર પ્રશંષા પાત્ર છે! આપનો પણ ઘણો જ આભાર અને અભિનંદન !

  6. Devika Dhruvaon 10 Oct 2023 at 11:59 am

    ભારતીબહેન,મીનાબહેન,શૈલાબહેન,જનાર્દનભાઈ,

    આપ નિયમિત સાઈટની મુલાકાત લો છો, વાંચો છો અને પ્રતિભાવ પણ પાઠવો છો તે સાચે જ નોંધપાત્ર છે.
    સાહિત્ય સરિતાનાં સક્રિય સભ્ય તરીકે તમે વહીવટી સમિતિનાં સાચા હકદાર છો. આપની સેવાઓ આ રીતે આપતા રહેશો. આશા છે કે અન્ય સભ્યો પણ આમાંથી પ્રેરણા પામે.

    સાહિત્ય સરિતાની આ સંસ્થા સૌ સાહિત્યરસિક ભાઈબહેનોની છે અને તેમના થકી જ છે. વધુ ને વધુ સભ્યો આ રીતે કાર્યરત રહે તો સર્જનપ્રવૃત્તિને વેગ મળે.

    આભાર.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.