May 07 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૪ અહેવાલ

Published by at 10:47 am under બેઠકનો અહેવાલ

 

                                 

 ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૪મી બેઠક, શનિવાર તારીખ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ બપોરે ૨ થી ૬ દરમ્યાન બ્રૂક્સ સ્ટ્રીટ સ્યુગરલેન્ડ પર આવેલા રીક્રીએશન સેન્ટર ખાતે યોજવામાં આવી હતી..

કાર્યક્રમની શરૂઆત શ્રીમતિ રક્ષાબેન એચ. પટેલે મા સરસ્વતીની વંદનાથી કરી હતી.સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશભાઈ પરીખે, આગંતુક મહેમાન કવિશ્રી. દિનેશભાઈ પોપટનું સ્વાગત કરીને, સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા ‘સાહિત્ય સરિતા સંસ્થા’નો પરિચય આપ્યો હતો. હ્યુસ્ટનના જાણીતા વૈજ્ઞાનિક અને સર્જક શ્રી કમલેશ લુલાએ, સંસ્થા વતી દિનેશભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

સંસ્થાના સ્થાનિક કવિઓએ પોતાની સ્વરચિત કૃતિઓનું પઠન કર્યું હતુ. પ્રથમ શ્રી. મનોજ મહેતાએ પોતાની એક કૃતિ રજૂ કરી હતી. પછી, શૈલાબેન મુન્શાએ ‘વીતેલા વર્ષો’ કાવ્ય સંભળાવ્યું હતું. મુકતકોના મહારાજા તરીકે ઓળખાતા શ્રી. સુરેશ બક્ષીએ ‘આપણાં સંબંધો’ ની રજૂઆત કરી હતી. હ્યુસ્ટનના જાણીતા અને માનીતા હાસ્યલેખક અને કવિશ્રી. ચીમન પટેલે ‘ ના દીધી હતે તો ઠીક છે’ કાવ્ય ની રજુઆત કરી હતી.

ત્યારબાદ શ્રી. નિખીલ મહેતાએ, સંસ્થાના સર્જકોનો પરિચય અને સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય આપતું પુસ્તક શ્રી. દિનેશ પોપટને અર્પણ કર્યું હતુ. પ્રમુખશ્રીએ માઈક દિનેશભાઇને સોંપી દીધુ એટલે આગંતુક મહેમાને, કોઇ જ શાબ્દિક આડંબર, બુધ્ધિના ચમકારા કે અવતરણોના વિદ્વત્તાના ભાર વિનાની શૈલીમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતુ.

શરૂઆતમાં સર્જક અને ભાવક, ગદ્ય અને પદ્ય તથા ભાવવિશ્વ અંગે વાતો કરી. કવિતા ભીતરના વિશ્વને મુખરિત કરે છે. કવિતાનું ક્ષેત્ર વ્યાપક અને બળકટ છે. પોતાના વક્તવ્યમાં નરસિંહ મહેતા, મીરાં, દલપતરામ પ્રેમાનંદ, કાલિદાસ, ભવભૂતિ અને વાલ્મિકીને પણ યાદ કરી લીધા. તેમણે કહ્યું કે કવિતામાં સંગીતમયતા, મૌસિકી, લય હોય છે. છાંદસ અને અછાંદસ કવિતાઓની પણ છણાવટ કરી. કવિતા આપણા દ્વારા પ્રગટે છે અને આપણે કવિતાને બનાવતા નથી. તેમણે રચનાત્મક ક્રિટીસીઝમ અંગે પણ વાતો કરી.
ત્યારબાદ, કવિશ્રીએ, પોતાના કાવ્યસંગ્રહ ‘ભીતરના ખેતર’ના કેટલાક કાવ્યો રજૂ કરીને શ્રોતાઓને ભાવવિભોર કરી મૂક્યા. હ્રદયની નીતરતી લાગણીમાંથી ટપકેલી કવિતાઓ અને એમાંથી સંવેદનશીલતાનું પ્રગટ થતું સ્વરૂપ, જોઇને ભાવકો રસતરબોળ થઈ ઉઠ્યા. રજૂ થયેલું દરેક કાવ્ય, કવિની અજ્ઞાત અનુભૂતિનો સ્પર્શ લઈને આવ્યું હતું. ‘વનપ્રવેશની વેળા’, ષષ્ઠીપૂર્તિ જેવી રચનાઓ તો પ્રસંગોચિત હોવાને કારણે શ્રોતાઓને ખૂબ ગમી ગઈ. ‘વિરાટને હિંડોળે’ જેવી કૃતિ, અમરનાથની યાત્રા દરમ્યાન થયેલી અનુભૂતિની રચના હતી. વિરાટને અહીં કવિએ ગઝલને હિંડોળે ઝૂલાવ્યું છે. કેટલાક કાવ્યોમાં અધ્યાત્મની અનુભૂતિ થાય છે.

હાથ ન આવે રેતની ભાષા, હરિવર કેરા હેતની ભાષા,
જીવન આખું બને કવિતા, સમજું જો સંકેતની ભાષા.

શ્રી. દિનેશભાઈને છંદ અને લય બરાબર જાળવીને, સીધેસીધુ કહી દેવાનું સહજ સાધ્ય રહ્યું છે. માનવસંબંધો, વ્યંગ તથા હાસ્યરચનાઓ, પ્રૌઢપ્રેમના ગીતો, અધ્યાત્મની રચનાઓ, ગઝલો, મુકતકો શેર-શાયરી, મોસમની કવિતાઓ, ગાંઠિયા ગૌરવ, ખુરશીદાસનું ગીત, ડુપ્લીકેટ ભગતનું ગીત, ઉંધિયું, લીલોછ્મ માણસ જેવી તો ઘણીબધી કવિતાઓને શ્રોતાઓએ મનભરીને માણી હતી.

ભાવપુર્ણ હ્રદય, તર્કશુધ્ધ બુધ્ધિ અને મર્માળુ વિનોદવૃત્તિ ધરાવતા આ મોજીલા કવિની કાવ્યસૃષ્ટિના ત્રિવેણી સંગમનો અનુભવ આજની આ બેઠકમાં હાજર રહેલા દરેકેદરેક શ્રોતાઓએ કર્યો હતો.સાડાત્રણ કલાકની કાવ્યમજલ કાપ્યા બાદ, રાબેતા મુજબ , આભારવિધિ પ્રીતિભોજન અને સામૂહિક તસ્વીર લેવાયા બાદ, સૌ વિખરાયા.

નવીન બેન્કર ( લખ્યા તારીખ- પહેલી મે- મહાગુજરાતદિન )

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૪ અહેવાલ”

  1. શૈલા મુન્શાon 14 May 2018 at 7:03 pm

    દેખાવમાં સીધાસાદા લાગતા કવિ દિનેશભાઈની કવિતા, ગઝલો વ્યંગ કાવ્યો, ઉર્મિગીતો જે ભાવપુર્ણ અને સહજતાથી એમના મુખે સાંભળવા મળ્યા એ ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિના ભીતર સુધી પહોંચી એમના હૈયાને હર્યાભર્યા ખેતર સમ લીલાછમ કરી દીધા.
    સાથે સાથે આ અહેવાલ જ્યારે નવીનભાઈ જેવા સિધ્ધહસ્ત વ્યક્તિના હાથે લખાય ત્યારે સભામાં નહિ હાજર રહેલા સભ્યોને દિનેશભાઈ અને એમના કાવ્યપઠનની એ સલોણી સંધ્યા ખોવાનો અચૂક અફસોસ થશે.
    દિનેશભાઈ અને નવીનભાઈ બન્નેને સલામ !!!!!!!!

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.