Nov 21 2013

નવેમ્બર ૨૦૧૩ ની ‘૧૩૯’ બેઠકનો અહેવાલ –વિજય શાહ

Published by at 12:49 pm under બેઠકનો અહેવાલ

 

૧૬મી નવેમ્બરના દિવસે મુ.રક્ષાબહેન પટેલ ને ત્યાં યોજાયેલી બેઠક ૧૩૯નાં મુખ્ય અતિથિ હતા ડો ચંદ્રવદન મિસ્ત્રી. સનતભાઇ પરીખ સાથે સમયસર આવી ગયેલાલા ચંદ્રવદનભાઇનું હાસ્યપૂર્વક અભિવાદન કર્યું. બરોબર ૧.૩૦નાં ટકોરે કોઓર્ડિનેટરે શરુઆત સમુહ પ્રાર્થનાથી કરી. જેથી બચપણમાં કરેલી પ્રાર્થના યાદ આવી..મા સરસ્વતીની વંદના પછી રક્ષા બહેને આવેલા સૌ ગુજરાતી સર્જકો અને ભાવકોને પ્રેમથી આવકાર્યા. માઇકનો દોર ઘણા સમયે સક્રિય થયેલા નાટ્ય દિગ્દર્શક અશોકભાઇ પટેલને સોંપાયું. તેમણે તેમની આગવી પધ્ધતિમાં સંકલન કરેલા અને ચુંટેલા શેરોની પંક્તિઓ છટાદાર રીતે રજૂ કરતાં અને દિવાળી વિષયને અનુલક્ષીને સર્જકોને આમંત્રણ આપતા ગયા.
સૌ પ્રથમ પ્રશાંત મુન્શાને માઇક અપાયુ અને તેમણે અનીલ ચાવડાની કૃતિ “ લ્યો આવી ગઈ દિવાળી” રજુ કરી.”

ઉદાસીઓ નાં ફટાકડાઓ
ઝટ્પટ ફોડી દૈને
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઇને
કોઇ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ
આવખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ

 

પ્રશાંતભાઈની રજુઆત પછી અશોકભાઇએ ફરી બે શેર સંભળાવ્યા અને સુરેશ બક્ષીને રજુઆત માટે કહેવાયું સુરેશ બક્ષી હવે કોઇ શેર કહી પોતે રચેલ પ્રતિશેર કહે છે. તેમની રજુઆત સારી હતી.
શૈલા બહેન ને તેમની કૃતિ રજુ કરવા આમંત્રણ આપ્યું.
શૈલા બહેન જે આખી જિંદગી વિવિધ ઉંમરના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કર્યુ છે. હવે અદકેરું કામ અહીં મેંટલી રીટાર્ડેડ બાળકો સાથે કરી રહ્યા છે તેમાંની એક એમી નામની કન્યાનાં સંભારણા સુંદર રીતે રજુ કર્યા.

એમી જાણે મારૂં પહેલું માનસ સંતાન. એની લાગણી ને પ્રેમ મારા માટે હજી પણ એટલો જ. આજે પણ એની વાત, ફરિયાદ એના ક્લાસ ટીચરને કરવાને બદલે મને કરે.
આ બાળકો ની લાગણી એમનો પ્રેમ જ મને જાણે જીવંત રાખે છે ને ખુદની તકલીફ ભુલી ને કામ કરવાનો ઉત્સાહ પ્રેરે છે.

અશોક્ભાઇ તેમનું સંકલિત સાહિત્ય પિરસતા હતા અને મન્સુખભાઇ વાઘેલા નામે મુંબઇનાં મિત્રે હરીભાઇ જરીવાલાને “સંજીવ કુમાર” નામ આપેલાનાં સંસ્મરણો તાજા કર્યા અને આમંત્રણ અપાયુ- ચીમનભાઇ પટેલને…” ચમન “નાં હુલામણા નામથી હાસ્ય લેખો ચીમનભાઇ લખતા હોય છે. આજે તેમણે એક નવી હાસ્ય ગઝલ (હઝલ) લખી હતી તે રજુ કરી

તાલી પાડવાની ટેવ પડી ગઇ છે હવે તો એવી,
જાત મારી પછી સૌને પરખાય, તાલી પાડુ છું!


સરી જાય શબ્દો ગઝલના  સમજ્યા વગર સૌને
‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડુ છું!

હવે નવો પ્રયોગ કર્યો હતો તે પ્રમાણે મહેમાન ને પરિચય આપવા અને તેમનું સન્માન કરવાનું કાર્ય પ્રવીણા બહેનને ફાળે આવ્યુ.. જેમણે ચંદ્રવદન ભાઇને  હ્યુસ્ટન ની સાહિત્ય સરિતામાં આવકાર આપ્યો. પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટે તેમને લખેલું કાવ્ય અને તેને ફોટોફ્રેમ માં મઢાવી હ્યુસ્ટન નાં સાહિત્ય સર્જકો વતી વધાવ્યા.

“ચંદ્ર પુકાર” ની શીતળ કલમને વાંચતા,
.                     .લાગણી પ્રેમની જ્યોત સૌને મળતી થઈ;
શબ્દ સમજીને કલમ ચલાવતા અહીં,
.                       .ઉજ્વળ રાહ જીવનમાં પ્રેમ લાવતી ગઈ.

પોતાનો પરિચય આપતા ડૉ ચંદ્રવદન ભાઇએ કહ્યુ “૧૩”નાં આંકડાની ગમ્મત કરી. ૧૩ ઓક્ટોબરે તેમનો જન્મ…૧૩૯મી બેઠક સરવાળો કરો તો ૧૩ થશે અને સોળમી નવેમ્બર નો સરવાળો પણ ૧૩ થશે કહી પોતાની વાતો શરુ કરી. “ ચંદ્ર પુકાર” બ્લોગની શરુઆત કરાવી વિજય્ભાઇ એ મને મારી નિવૃત્તિની સુંદર પ્રવૃતિ આપી . તેઓ જાતે કહે છે હું કવિ નથી કે નથી સાહિત્ય કાર.. પણ હું મને જે સ્ફુરે છે તે સાચી ઇમાનદારી થી લખુ છુ અને તેથી જ વાચકો મને ચાહે છે.
અશોક્ભાઇએ પેલા જાદુગર કે લાલનાં કાર્યક્રમ માં રજુ થતી “ વોટર ઓફ અમદાવાદ ‘ ની જેમ સંકલનમાંથી એક અને એક એમની પોતાની કૃતિ રજુ કરી આમંત્રણ આપ્યુ ડો ઈંદિરા બહેન શાહને..
આધ્યાત્મિક કાવ્યો લખતા ઇંદુ બહેન આજે તેમની “ દીપક” નામે એક નવલીકા રજુ કરી. અંત સચોટ હતો અને વિધાતાને કહેતા લેખીકા સંભળાઇ
“વિધીના લેખ પણ કેવા કૃર હોય છે .૩ વર્ષ પહેલાની દિવાળીએ દીપક પ્રજવલિત  થયો, કુટુંબ આખામાં આનંદ ઉલ્લાસ ઉમટ્યો, ૩ વર્ષ બાદ બુજાય પણ ગયો કુટુંબને શોકના અંધકારમાં ડુબાડતો ગયો.વિધાતા તુ નારી છતા નારી પ્રત્યે  આટલી કૃર”
અશોકભાઇની એક વાત “માઇક પણ હોય છે મેનકા” ને શ્રોતામાં મોનીકા સંભળાયુ અને વાતવરણ એકદમ હળવુ થઇ ગયુ..તેવાતાવરણ ને વધુ હળવુ કરવા ફતેહઅલી ચતુર આવ્યા તેમણે લાલુ પ્રસાદ યાદવનાં છબરડાઓ કહી ભારે રમુજ આણી.
સમય તો વહેતો જતો હતો અને બાકી બચેલા બેમાં હું અને પ્રવીણા બહેન હતા. મને માઇક મળે એટલે સમયનો બગાડ ક્ષણ નો પણ ના થાય..મેં સાહિત્ય સરિતાનો આભાર માનતા કહ્યું દરેક બેઠક્માં મેં હંમેશા તાજી જ વાત કહી છે. આ વખતે જુનાગઢ્નાં નેહા પુરોહીતનાં કાવ્ય “ભીતરનું ચોમાસુ”એ આપેલી કથા “ સાચી વાત છે મારા રાજ્જા” વાંચીશ.

બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…
ઊર્મિનો ભમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો,
પાળી બાંધી ઉપરવાસે અટકાવ્યો છલકાતો,
પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
                                             –   નેહા પુરોહિત

પાછા વળતા કારમાં સ્નેહા બોલી “હિમાંશુ તમે મને પામીને તમારુ હાસ્ય ખોઇ દીધુ નહીં ને?”
“ નારે ગાંડી ના.. તું અને તારો સ્નેહ સાચો.. જાનકીને તો મારી ક્યાં તમા હતી. એતો હું જ એના ચહેરાને મોહાયો હતો..પણ ઉપરવાળા એ તે શક્ય જ ના થવા દીધુ કારણ કે તું મારે માટે ઘડાઇ હતીને?” એકાદ મીનીટનાં મૌન પછી તે બોલ્યો..”લગ્ન કદી એક તરફી ના હોવું જોઇએ.. તેમાં તો બંનેને સરખો જ ભાવ અને ખેંચાણ જોઇએ…”
“તો પછી આ ટીખળ.. આ ધમાલ ક્યાં જતી રહી?”
“ પડઘા તો પોલાણ હોય ત્યારે પડે..જ્યારે પ્રેમ છલો છલ છલકતો હોય ત્યારે પડઘાનું કામ જ ક્યાં હોયે સખી!”  હેતાળવી અદામાં હિમાંશુએ સ્નેહાને જવાબ દીધો અને સ્નેહા મલકી રહી…હા ચાહત અને મૈત્રી એ બે જુદી ઘટના છે. હિમાંશુ મારો છે અને મારે જાનકીથી બીવાનું કોઇ કારણ જ નથી.
હેત થી તે બોલી રહી “ હા સાચી વાત છે મારા રાજ્જા!”
પ્રવીણા બહેને રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કાવ્ય વાંચ્યુ…છેલ્લે જે કામ રહી ગયુ હતુ તે પરિચય દરેક સભ્યોનો મહેમાનશ્રીને અપાયો અને બરોબર સાડા ત્રણ ને ટકોરે આભાર વિધિ થઇ અને અલ્પાહાર ચા સાથે અપાયો અને હળવા હૈયે સૌ વિખરાયા.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.