May 28 2018

બેઠક # ૧૮૫નો અહેવાલ

Published by at 11:11 am under બેઠકનો અહેવાલ

  ઇન્દુબહેન શાહ અપલોડેડ ઓન મે ૨૮ ૨૦૧૮

  હ્યુસ્ટનની ‘ સાહિત્ય સરિતા’ માં તેજાબી લેખિકા કામિની સંઘવી
અહેવાલ- શ્રી. નવીન બેન્કર

 ૨૬ મે ૨૦૧૮ ને શનિવારની બપોરે ૨ થી ૫ દરમ્યાન,હ્યુસ્ટન સાહિત્ય સરિતાની ૧૮૫મી મીટીંગ , સુગરલેન્ડના રીક્રીએશન સેન્ટરમાં લગભગ ૬૦ જેટલા સાહિત્ય રસિકોની હાજરીમાં યોજવામાં આવી હતી. આજના મુખ્ય મહેમાન હતા સુરતના, ખ્યાતનામ તેજાબી અને સ્પષ્ટવક્તા લેખિકા કામિનીબેન સંઘવી.

 શ્રીમતિ ભાવનાબેન દેસાઈએ તેમના સુમધુર કંઠે, પ્રાર્થના અને રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનો સ્વ. સુરેશ દલાલે કરેલ ભાવાનુવાદ વાંચી સંભળાવ્યા બાદ ,આપણા હાસ્યલેખક શ્રી. વિનોદ ભટ્ટ   અને શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટના માતુશ્રીના અવસાન અંગે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

  સંસ્થાના પ્રેસીડેન્ટ શ્રી. સતિષ પરીખે ઔપચારિક જાહેરાતો કર્યા બાદ, લોકલ સર્જકોની કૃતિઓના કાર્યક્રમ માટે, શ્રીમતિ શૈલાબેન મુન્શાના હાથમાં માઈક સોંપી દીધું હતું.

મુખ્ય મહેમાન કામિનીબેનના આગમન પહેલાં, પાંચેક સર્જકોએ કેટલીક કૃતિઓ રજુ કરી હતી. શૈલા મુન્શાએ ‘ માની યાદ’, ડોક્ટર ઇન્દુબેન શાહે બે મુકતકો, નયનાબેન શાહે, ‘પિતા’ વિશે કોઇના લખેલા લખાણને પ્રસ્તુત કર્યા હતા. ભુપેન્દ્ર શેઠ અને મનસુખ વાઘેલાએ પણ પોતાની રચનાઓ રજુ કરી હતી.

કામિનીબેન સંઘવીના આગમન બાદ, શ્રી. નવીન બેન્કરે, સ્વ. વિનોદ ભટ્ટને શ્રદ્ધાંજલિ આપતા, વિનોદભાઇના પ્રથમ પુસ્તક ના પ્રકાશન અંગેની , ૧૯૬૧ ની યાદગાર વાતો કરી હતી અને ચિત્રલેખાના દિપોત્સવી અંકોમાં પ્રસિદ્ધ થયેલ તેમના, દુર્યોધન, શકુનિમામા, દશરથરાજા અને ભરતના કાલ્પનિક હાસ્યપ્રધાન ઇન્ટરવ્યુ અંગેની વાતો કરી હતી તથા તેમની સાથેના પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા.

કામિનીબેનનો પરિચય આપતાં, શ્રી. નવીન બેન્કરે કહ્યું હતું કે, સુશ્રી. કામિનીબેન ધારદાર કલમની તેજાબી લેખિકા છે. ગોળ ગોળ વાતો કરવાને બદલે, તડ ને ફડ કહી દેનારી આ લેખિકા દસેક વર્ષથી લેખો અને નવલકથાઓ લખે છે. એમના લખાણોમાં વૈવિધ્ય હોય છે. આપણી સામાજીક કુટેવો, સ્ત્રી-પુરૂષના સંબંધો પર, સ્ત્રીઓને થતા અન્યાયો અને અસમાનતા પર તેમની ધારદાર કલમ જોરદાર ચાલે છે. લગ્નમાં દેખાદેખીમાં થતા ખર્ચાઓ, તહેવારોની ઉજવણી વેળા થતું પોલ્યુશન જેવા વિષયો પરના તેમના લેખો, સમાજને સુધારવાનો પ્રયત્ન હોય છે. અમરેલીમાં જન્મેલા અને એમ.એ. વીથ ઇંગ્લીશ લીટરેચર થયેલા કામિનીબેન ગુજરાત મિત્ર થી શરૂઆત કરીને હાલ ,૨૦૧૨ થી ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે કામ કરે છે. ‘ફુલછાબ’ અને ‘મુંબઈ સમાચાર’ માં કોલમ લખે છે. ફુલછાબમાં તેમની લઘુનવલ ‘ફરેબ’ પ્રસિદ્ધ થઈ હતી જે પાછળથી ‘સેવન અવર્સ’ નામાભિધાન હેઠળ પુસ્તક્ તરીકે છપાઈ છે. તેમની ‘ચિત્રલેખા’માં હપ્તે હપ્તે છપાયેલી થ્રીલર નવલકથા ‘બુમરેંગ’.ને વાંચકોએ ઉમળકાભેર વધાવેલી, તે ઉપરાંત તેમની નવલકથા ‘જુનૂન’ અને પુસ્તક ‘દિલકે ઝરોંખોંસે’ ખ્યાતનામ છે. પોતાને ગમી ગયેલી , કામિનીબેનની બે ટૂંકી વાર્તાઓની પણ તેમણે વાત કરી હતી.અને પછી કામિનીબેનના હાથમાં માઇક સોંપી દીધું હતું.

કામિનીબેનના વક્તવ્યનો વિષય હતો- ‘મારી સર્જનયાત્રા’. સૌ પ્રથમ તો તેમણે, હાસ્યલેખકો શ્રી. હરનીશ જાની અને સ્વ. વિનોદ ભટ્ટના, પોતાને ગમતા લખાણો અંગેની વાતોથી શરૂઆત કરી. પોતે પ્રાચી દેસાઈ અને પરેશ રાવલની મુલાકાતો લીધી હતી તેની વાતો કરી. ‘ગુજરાતમિત્ર’માં ફિલ્મ પુર્તિ વિભાગના રસપ્રદ અનુભવો, રાજકોટના ‘અરસપરસ’ મેગેઝીનમાં છપાયેલા પોતાના લેખોની વાતો, ફુલછાબની પોતાની કોલમ ‘તુલસીક્યારો’ ની વાતો કર્યા બાદ, તેમના ‘દિલકે ઝરોખોસે’ ના કેટલાક યાદગાર લેખો ની રસપ્રદ વાતોમાં શ્રોતાઓને રસતરબોળ કરી મુક્યા હતા. ‘દિયર આધા ઘરવાલા’, ‘દહેજપ્રથા-જુની બોટલમાં નવો દારૂ’, ‘સ્ત્રી અંધશ્રદ્ધાની વાહક અને ચાહક છે,’ ‘નિવૃત્તિ હીરો નથી, ઝીરો છે’ લેખ સાથે સચીન તેંડુલકરને યાદ કરી લીધો. ‘કોકાકોલા’ની જુની અને નવી જાહેરખબરોમાં સ્ત્રીઓના ચિત્રો અંગે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો. ઉત્તરાખંડની સ્ત્રીશક્તિની સત્ય ઘટનાએ તો શ્રોતાઓને ભાવવિભોર કરી મુક્યા હતા. સ્ત્રીઓને તેમના માસિક સ્ત્રાવ વખતે થતી આભડછેટના દુઃખો, ૨૦૧૪માં લતા કાળે નામની ૬૦ વર્ષની સ્ત્રીને મેરેથોન દોડમાં મળેલ રૂપિયા પાંચ હજારના ઇનામની વાત સાથે આપણો સમાજ સ્ત્રીઓને અમુક બાબતોમાં કેટલો અન્યાય કરે છે અને આપણે સામાજિક ક્ષેત્રે આજે પણ કેટલા પછાત છીએ એની વાતો જુસ્સાભેર કરી હતી.

૪૫ મીનીટ જેટલા સમયમાં થયેલા તેમના પ્રવચનમાં બીજા તો ઘણાં વિષયો અને લેખો અંગે તેમણે રસિક વાતો કરી હતી. શ્રોતાઓના પ્રશ્નોના તેમણે ઉત્તરો પણ નિર્ભીકપણે, સ્પષ્ટ રીતે, શબ્દો ચોર્યા વગર આપ્યા હતા. ઈન્દીરા ગાંધી અને નરેન્દ્ર મોદી અંગેના તેમના વિચારો તેમને જણાવ્યા.

કાર્યક્રમના અંતીમ ચરણમાં, સંસ્થાના સક્રિય સભ્ય એવા શ્રી. વિજય શાહે સાહિત્ય સરિતા સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ત્યારબાદ અન્ય લોકલ સર્જકો- જનાર્દન શાસ્ત્રી, દેવિકાબેન ધુવ , પ્રશાંત મુન્શા તથા અન્ય-એ પોતાની કૃતિઓ રજુ કરી હતી.
વિજય શાહે સ્વરચિત ટૂંકી વાર્તા ‘બુરૂ સપનુ’ વાંચી સંભળાવી હતી. શૈલાબેન મુન્શાએ સ્વ. વિનોદ ભટ્ટના જીવનના એક યાદગાર પ્રસંગને , પોતાની નાટકિય રીતે, શબ્દોના આરોહ-અવરોહ સાથે જાણે નજર સમક્ષ જ જોતા હોઇએ એ રીતે સંભળાવ્યો હતો.

સંસ્થાના કમિટી મેમ્બરોએ, સાહિત્ય સરિતાના સર્જકોનો પરિચય આપતું પુસ્તક સુશ્રી. કામિનીબહેનને અર્પણ કર્યું હતું. તથા મેમેન્ટો ( સ્મૃતિચિહ્ન) પણ આપ્યો હતો.

સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી. નિતીન વ્યાસે આભારવિધિ કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કમિટી મેમ્બર્સ, ડોક્ટર રમેશભાઇ અને ડોક્ટર ઇન્દુબેન શાહ, ગીતાબેન ભટ્ટ, શૈલાબેન મુન્શા અને ચારૂબેન વ્યાસ જેવા સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અંતમાં, ગ્રુપ ફોટો તથા છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદીષ્ટ વાનગીઓનો આસ્વાદ લઈને, સૌ વિખરાયા હતા.

નવીન બેન્કર ( લખ્યા તારીખ-૨૭ મે ૨૦૧૮)

2 responses so far

2 Responses to “બેઠક # ૧૮૫નો અહેવાલ”

  1. શૈલા મુન્શાon 28 May 2018 at 12:17 pm

    કામિનીબેન જેવા તેજસ્વી અને ધારદાર કલમના લેખિકા ને સાંભળવાનો લાભ ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે યોજાયેલ ૧૮૫ મીબેઠક મા સહુ શ્રોતાજનોને મળ્યો. કામિનીબેનની કલમની જેમ એમનુ વકૃત્વ પણ એટલું જ ધારદાર અને નિર્ભીક છે.
    નવીનભાઈની પત્રકારિત્વ ભાષાએ ખુબ સુંદર અને માર્મિક અહેવાલ લખ્યો છે. સાહિત્ય સરિતાએ કાયમી ધોરણે નવિનભાઈને પુરા આદર સાથે આ કામ સોંપવુ જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે.

  2. Kamini Sanghavion 28 May 2018 at 4:11 pm

    થેન્કયુ સાહિત્ય સરિતા!

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.