Oct 21 2013

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૮મી બેઠકનો અહેવાલ- દેવિકા રાહુલ ધ્રુવ

Published by at 5:52 pm under બેઠકનો અહેવાલ

 

ગુજરાતી સાહિત્ય સરિતાની ઑક્ટોબર મહિનાની બેઠક,૨૦મી તારીખે,રવિવારે બપોરે બે વાગે, સંસ્થાના સેવાભાવી અને શાંત શ્રી જયંત પટેલ અને સ્મિતાબેનના નવા, હૂંફાળા નિવાસ સ્થાને યોજવામાં આવી હતી.

શરદપૂનમ અને સામે આવી રહેલી દિવાળીને  કારણે વાતાવરણમાં  બેઠક પહેલાં જ એક  વિશેષ પ્રકારની તાજગી અને આનંદ વરતાતો હતો. રાબેતા મુજબ શરુઆત પ્રાર્થનાથી થયા બાદ યજમાન દંપતિએ સૌ મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યું. ત્યારપછી નેટ પરના ગુજરાતી અક્ષરાંકનની ગંગોત્રી સમા સૌના આદરણિય શ્રી રતિલાલ ચંદેરિયાની વિદાય નિમિત્તે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું.

પ્રારંભમાં,  સંચાલક શ્રીમતિ પ્રવીણાબેન  કડકિયાએ ત્રણ વાતની જાહેરાત કરી. ૧) ભક્તિ-રચનાકાર શ્રી પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ તેમના બ્લોગ પર ૨૨૦૦નો આંકડો વટાવી ચૂક્યા છે તે ખુશીની વાત ૨) સંસ્થાના વડીલ શ્રી ધીરુકાકાના શુભ હસ્તે, પ્રવીણાબેનની નવલકથા’સંઘર્ષની સોડમાં’ ને શુભેચ્છા અને આશીર્વાદ .અને ૩)આ અહેવાલ લખનારના બીજા પૂસ્તક ‘અક્ષરને અજવાળે’નું અવલોકન તાજેતરના ‘કુમાર’ સામયિકના દિવાળી અંકમાં પ્રસિધ્ધ થયેલ છે તે વાત.

ત્યારબાદ  બેઠકનું સૂકાન શ્રી વિજયભાઇ શાહને સોંપવામાં આવ્યું. તેમણે લેપટોપ થકી ટીવીના મોટા પડદા ઉપર કાર્યક્રમની રૂપરેખા આપી અને એક પછી એક વક્તાઓને નિમંત્રણ આપ્યું. સૌથી પહેલાં શ્રી અશોક પટેલે બે શેર અને પવનકુમાર જૈનનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું. આ વખતે સૂત્રધારે  એક નવું કામ કર્યું અને તે એ કે બે વક્તાઓની વચ્ચે વીર દોશીની ‘ચિત્ર લ્હેર’ની સ્લાઇડો  બતાવીને વાંચતા ગયા. તેમાં જાણીતા ગઝલકારોના અમર શેર માણવા મળ્યાં.શ્રોતાઓએ આ દ્રશ્ય અને શ્રાવ્ય  પ્રયોગને સારો આવકાર આપ્યો.

ત્યાર પછી  પ્રવીણાબેને  સ્વરચિત રાસ  ગવડાવ્યો. શ્રી ફતેહ અલીભાઇએ શ્રી પ્રિયકાંત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે ચાંદની’ કાવ્ય સુંદર રીતે, રસાસ્વાદ કરાવતાં  કરાવતાં  રજૂ કર્યું. તેમની રજૂઆત સૌની દાદ પામી ગઇ. વડિલ શ્રી ધીરુકાકાએ ‘દિવાળી’ અને ‘ઘર’ પરની અર્થસભર  રચનાઓ વાંચી. દરમ્યાનમાં  કેટલાંક નવા ચહેરાઓ ધ્યાનમાં આવતાં ઓળખાણ આપવામાં આવી.

હવે વારો હતો બીજી એક નવી અને નોખી રજૂઆતનો જેની ઘણાને  આતુરતા હતી. એ હતી ‘શેરાક્ષરી’ ! આમ તો અગાઉ આ પ્રયોગ થઇ ચૂકેલો હતો પણ આજે, પાંચ વર્ષ પછી ,જરા એ જુદા અંદાઝમાં હતો.ગઇ બેઠકમાં સૌથી પ્રથમ જ વખત સાહિત્ય સરિતામાં આવનાર ભાઇ શ્રી ધવલ મહેતાનો ઉત્સાહ તેમાં ઘણું કામ કરી ગયો. શૈલાબેન મુન્શા,ઇન્દુબેન શાહ, ચિમનભાઇ પટેલે,પ્રશાંતભાઇ મુન્શા,ધવલભાઇ મહેતા અને દેવિકાબેન ધ્રુવે મળીને ૨૫ શેરોની શેરાક્ષરીની રમઝટ નાટકિય રીતે મચાવી. જાણીતા ગઝલકાર અને સાથે સાથે હ્યુસ્ટનના પણ રચનાકારોના  શેરોની રજૂઆતને સૌએ આનંદથી માણી અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

ત્યારપછી પ્રદીપભાઇએ ‘દીપનો ઉજાસ’.વિજયભાઇ શાહે “વા’લી સખી”,અને ચિમનભાઇ પટેલે “દિવાળી આવી ને ગઇ’પોતપોતાની કૃતિ વાંચી સંભળાવી. દિપકભાઇ ભટ્ટે તેમનાં સાત ચોપડી ભણેલા પણ સાહિત્યનાં રસિયા તેમના સ્વ. શાંતાબાના સાહિત્યિક સંભારણા વાગોળી, ક.મા.મુન્શીની નવલકથાને અને તેના પાત્રોને સવિશેષ યાદ કર્યા. તેમની એ વાતને વિનોદભાઇ અને હેમંતભાઇ ગજરાવાલાએ  ટેકો આપ્યો. ક્યાંક ક્યાંક નવીન બેંકરે યથોચિત  પોતાનો સૂર પૂરાવ્યો. હેમંતભાઇએ ઐતિહાસિક જૂના પાત્રો મંજરી,દ્રૌપદી, કુંતી,રાધા વગેરેનો પણ અછડતો ઉલ્લેખ કર્યો.તે પછી નવા ચહેરાઓમાંના એક શ્રીમતિ ગીતાબેન પંડ્યા પોતાના પુત્રનો કવિતા વિષેનો પ્રેમ અને તેને પ્રોત્સાહન આપતી પોતે રચેલી થોડી પંક્તિઓ આકર્ષક રીતે વાંચી સંભળાવી. બીજા એક નવા મહેમાન હતા શ્રી રુપલ વ્યાસ ( નાગર મંડળના પ્રમુખ ). તેમણે કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની એક નોખા મિજાજની મઝાની ગઝલ “ ન એકો,ન દ્વિતીય‌મ્‍ ,ન તૃતીયમ્‍-ચતુર્થમ્‍” રજૂ કરી.ત્યારબાદ પ્રકાશભાઇ મજમુદારે “નયનને બંધ રાખીને” જાણીતી ગઝલ ગાઇ સંભળાવી.

વચ્ચે વચ્ચે સૂત્રધાર શ્રી વિજયભાઇ  તરફથી સ્લાઇડો દ્વારા  મરીઝ,બેફામ, શેખાદમ આબુવાલા,શોભિત દેસાઇ,રમેશ પારેખ,ગની દહીંવાલા,આદિલ મનસૂરી વગેરે ગઝલકારોના ચોટદાર  શેરોનું આચમન  ચાલુ જ હતું !

નીતાબેન મહેતાએ હ્રદયની સચ્ચાઇમાંથી સ્વાભાવિક  રીતે સ્ફૂરેલી પોતાની બે પંક્તિ, કદાચ પહેલીવાર સંભળાવી જે પૂરેપૂરી ટાંક્યા વગર રહી શકાય જ નહિ.

”ચાર ધામની જાત્રા કરી,બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યાં,

ગંગા જમના ગોદાવરી ગઇ,ના ધોયા પગ મેં,ના ચઢાવ્યું જળ માથે,

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના દર્શને ગઇ,ના રહેવાયું ને આખી ઝબકોળાઇ ગઇ..“

ગુજરાતી ભાષાના,સાહિત્યના,આપણી સંસ્થાના  કેટકેટલા ભાવોની ઉત્કટતા,પરાકાષ્ઠા આમાં જણાય છે.નીતાબેન જેવા વડિલને સો સો સલામ ભરવાનું મન થયું. શ્રી દીલીપ કપાસીએ  ગુજરાતી ભાષાની મહત્તા વિષે અને શ્રી ભગવાનભાઇ પટેલે નાગરોના ‘બેઠા ગરબા’ વિષેની થોડી વાતો કરી. પ્રશાંતભાઇએ  યામીની વ્યાસનું ‘આટલા મોહક મોતી મને ક્યાં મળે?’ કાવ્ય રજૂ કર્યું.

સૂત્રધારના સૂચન અનુસાર  “ સાહિત્ય સરિતાએ મને શું આપ્યું?’ એ વિષય પર પણ ઘણા રસિકોએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા.જેમાં મુખ્યત્ત્વે સૌને ગુજરાતી લખવા માટે મંચ મળ્યો, ભાષાપ્રેમી મિત્રો મળ્યાં અને લેખન પ્રવૃત્તિને વેગ મળ્યો. એક જુદો જ પરિવાર મળ્યો. કહેવાય છે ને કે ‘તેરા તુજકો અર્પણ’ એ રીતે સર્જકોએ પણ સાહિત્ય સરિતાને વૈશ્વિક સ્તર આપ્યું, નામ આપ્યું.પરસ્પરની આ ભાવના માટે સૌની ઉંચી,ઉમદા દ્રષ્ટિ રહો.

યોગાનુયોગ આજે હાસ્ય લેખક શ્રી ચિમનભાઇ પટેલનો જન્મદિવસ હોઇ,સૌએ શુભેચ્છા વ્યક્ત કરી.
બેઠકને અંતે સહ-સંચાલક શ્રી સતીશ પરીખે ‘ચાતક’ની કોકરવરણી લાગણીઓને વ્યક્ત કરતી એક ગઝલ વાંચી સંભળાવી,સૌનો આભાર માન્યો.

૧૩૮મી આ બેઠક પણ ‘વૈશ્વિક વેબ મહેફિલ’ની જેમ જ નવતર રહી. યશ અને શ્રેય સૌના  સહિયારા. સૌ પોતપોતાની પીઠ થાબડવા યોગ્ય છે ! પ્રમુખ શ્રીની અને બીજા કેટલાંક સક્રિય સભ્યોની ગેરહાજરી વરતાતી હતી અને સાલતી હતી.

પ્રશાંતભાઇના ત્વરિત પ્રતિભાવોમાં ખુબ જ સચ્ચાઇ છે કે આ બેઠકમાં મસ્તીની છોળ હતી,શેરોની રમઝટ હતી, નવા ઉત્સાહી,યુવાન મહેમાનોની  પિછાણ હતી,શેરાક્ષરીના ફટાકડા હતા,નવા વિચારો અને આયોજનોના સંવાદો હતા, સાથે મળી ઘણું ઘણું એક સૂરમાં કરી શકવાના અણસારા હતાં. છેલ્લે સમૂહ છબી બાદ સ્મિતાબેન અને જયંતભાઇની પરોણાગતિમાં દિવાળીના ફાફડા ,મઠિયા અને પાઇનેપલની રસદાર મીઠાઇ માણી સૌ ઉઘડતી સાંજે,પ્રસન્ન મને છૂટા પડ્યા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ
ઓક્ટો ૨૧,૨૦૧૩

 

 

 

 

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૮મી બેઠકનો અહેવાલ- દેવિકા રાહુલ ધ્રુવ”

 1. પ્રશાંત મુન્શાon 22 Oct 2013 at 1:12 pm

  કવિયત્રી દેવિકાબેનની કલમે લખાયેલ આપણી સરિતાની ૧૩૮મી બેઠકનો આંખો દેખ્યો અહેવાલ વાંચીને એટલું કહેવાનુ તો ચોક્કસ મન થાય કે શેર અંતાક્ષરીનો અને સાથે સાહિત્ય સભર દ્ર્શ્ય – શ્રાવ્યની ( audio-visual slides presentation)ની હાજર રહ્યાંની રંગત તો સૌએ માણી જ છે. પણ ફક્ત કિનારે કે દુર-સુદુર ઉભા રહેલા ( ના હાજર રહેલાં ) શ્રોતાઓ કે પ્રેક્ષકોએ તો સાગર કે નદીના મોજાંઓનો ફક્ત ખળખળ અવાજ જ આ અહેવાલ દ્વારા સાંભળ્યો એવી એમને કદાચ આ અહેવાલ દ્વારા અનુભૂતી જ થઈ હશે અને સાથે સાથે મસ્તીની છોળો અને સાગરનો કે સાહિત્યની સરિતાના પ્રવાહનો ઘેઘૂર અવાજ ગુમાવ્યાનો રંજ પણ અનુભવ્યો હશે. તેમાં જેઓએ પોતાની જાતને ડુબાડીને કે છબછબીયાં કર્યાં છે તેવી મોજ મસ્તીના અનુભવનો લ્હાવો પણ ગુમાવ્યો છે એવી વ્યથા પણ અવશ્ય અનુભવશે. એ બધું તેને શબ્દોમા કેવી રીતે વર્ણવી શકાય?

  માટે સૌને એટલી વિનંતિ કે પોતાની જાતને અલિપ્ત રાખીને અને ફક્ત શબ્દોનો ( અહેવાલો) પુરતો આ અનુભવ સિમિત ના રાખવા ખાસ આગ્રહભરી વિનંતિ કે મહિનાના કેવળ ૨ થી ૩ કલાકનો સમય કાઢીને બેઠકમાં જરૂર હાજર રહે. અને જે માટે આયોજકો બેઠકને વધુ ને વધુ સરસ -સફળ બનાવવા તનતોડ મહેનત કરે છે અને તમારી અપેક્ષાઓ સંતોષવાનો પણ જરુરથી યથાશક્તિ પ્રયત્ન કરે જ છે તેઓ ને પણ ઉત્સાહ રહે. આ બેઠકમા હાજરી માટેનો સમય કદાચ આપના માટે એક T.V. show or 1 movie બરાબર છે. મને લાગે છે કે પોતે હાજર રહી આટલું તો પોતાની માત્રુભાષા પ્રત્યેનુ ઋણ અદા કરવા આટલું તો જરૂરથી કરી શકે. અને હાજર રહી બીજા સર્જકોને પ્રોત્સાહન રૂપી પિયુષ પીવડાવી શકે. તમારી દાદની ખૂબ જરૂર છે કારણ કે તમે અમારામાના એક છો. પ્રસંગને પ્રત્યક્ષ માણવો અને કેવળ એનો અહેવાલ વાંચવો એ તો પાણી પીધાં વગર તરસ છીપાવવા જેવું છે. ઝાંઝવાના જળ સમાન.

  એક કાર્યક્રમ સુંદર રીતે પ્રસ્તુત – રજૂ કરવાની બે થી ત્રણ અઠવાડિયા જેટલી જહેમત જેઓ લે છે તેને આપની હાજરીની કેવળ અપેક્ષા હોય છે. કદાચ એનું બીજ તો બેઠક બોલાવવાની ઈ-મેઈલ મોકલાવતા પહેલાં જ રોપાઈ ગયું હોય છે એટલે કે ખરી રીતે તો એક મહિનાથી પણ વધુ સમય પહેલાંથી તૈયારી શરુ થઈ ગઈ હોય.

  આયોજકો કે સર્જનકારો આપની દાદના કે હાજરીના કેવળ ભુખ્યાં છે. શ્રેષ્ઠ કાર્યક્રમ આપવો એ એમનો ધ્યેય છે અને કેટલાં અંશે સફળ બનાવવો એનો આધાર તમારા સહકાર પર છે.

  આ માટે કેવળ તમારાં સહકાર -હાજરીની અપેક્ષા છે. શું તમે આટલું તો કરી શકો છો ને? નિરાશ નહીં કરશો. જોઈએ ત્યારે. નુતન વર્ષની ખુબ શુભેચ્છાઓ સાથે અંગત રીતે સૌ સાથે મળીને આવતી બેઠકમાં નવાં વર્ષને નવાજીએ.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help