Dec 02 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૯૧નો અહેવાલ

Published by at 3:09 pm under બેઠકનો અહેવાલ

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૯૧મી બેઠકનો અહેવાલ- ધીરૂભાઇ શાહની ૯૮ મી વર્ષગાંઠની ઉજવણી        શ્રી. નવીન બેન્કર
સાહિત્ય સરિતાની ૧૯૧મી બેઠક, સુગરલેન્ડના ઇમ્પિરીઅલ રીક્રીએશન સેન્ટર ખાતે રવિવાર તારીખ ૧૮ નવેમ્બર, ૨૦૧૮ના રોજ બપોરે ૧ થી ૫ દરમ્યાન યોજવામાં આવી હતી.

 આ વખતની બેઠકની વિશેષતા એ હતી કે, સંસ્થાના આદ્યસ્થાપકોમાંના એક એવા ધીરૂભાઇ શાહની ૯૮ મી વર્ષગાંઠની ઉજવણી કરવાની હતી એટલે સભ્યો ઉપરાંત ધીરૂભાઇના કુટુંબીજનો અને મિત્રો પણ હાજર રહ્યા હતા. હોલ મોડો મળવાને કારણે કાર્યક્રમ પોણો કલાક મોડો શરૂ કરી શકાયો હતો.

 હ્યુસ્ટનના મુકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે કરોકી પર ગીતોની  શરૂઆત કરી હતી. ‘આપણ સૌ હરતા ફરતા પિંજરા’, ‘મળીએ કોઇપણ કારણ વિના’, ‘ધુણી રે ધખાવી અમે તારા નામની,’ ‘મુઝે ગિરાકર તુમ સંભલ સકો તો ચલો’, જેવા ગીતોની રમઝટથી શ્રોતાઓ રંગમાં આવી ગયા હતા.

 કાર્યક્રમની શરૂઆતમાં જ, દિનેશ શાહ સ્પોન્સર્ડ , ‘મીર્ચ મસાલા’નું સ્વાદિષ્ટ ભોજન પિરસી દેવામાં આવ્યું હતું. સહુ મિત્રોએ ભોજન સાથે પ્રકાશભાઇના સંગીત અને વચ્ચે વચ્ચે તેમના પત્નિ  ભારતી બહેનના જોક્સ માણ્યા હતા.

 કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રીમતિ નયનાબેન શાહે પ્રાર્થના કર્યા બાદ, સંસ્થાના  બાહોશ પ્રેસિડેન્ટ શ્રી. સતિષ પરીખે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આગામી જનરલ બોડી મીટીંગ બાવીસમી ડિસેમ્બરને શનિવારે બપોરે ચાર વાગ્યે યોજવામાં આવશે એવી જાહેરાત કરી હતી. સાતમી ડિસેમ્બરે યોજાનાર ‘હિન્દી કવિતાકી શામ’ અંગે પણ સભ્યોને જાણ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમનો દોર આજના કાર્યક્રમના સૂત્રધાર નીખિલ મહેતાને શોપવામાં આવ્યો, તેઓએ સૌ પ્રથમ ધીરૂભાઇ શાહ લિખિત એક કાવ્ય ‘ ગાંધી એક દિન જરૂર તારો જય થાશે’ અને ‘મારૂ જીવન એ જ મારી વાણી’ કાવ્ય ગાઇને રજુ કર્યા હતા.

 કાર્યક્રમના આ દૌરમાં, ધીરૂભાઇની ૯૮ મી વર્ષગાંઠ પ્રસંગે ઘણાબધા શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી અને દાદા પ્રત્યેનો ભાવ, પ્રેમ અને લાગણી વ્યક્ત કરી હતી.

તેમના નામ નિખીલભાઈ બોલતા ગયા તેમ સૌ વક્તાઓએ ૩ થી ૫ મિનીટ માં ધીરૂદાદાના જીવન અને તેમના લખાણ વિષે પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા.

 સંસ્થાના ઉત્તમ સર્જક અને કવયિત્રી એવા દેવિકાબેન ધ્રુવે શરુઆતમાં જ ધીરુભાઇ શાહનો પરિચય આપતા કહ્યું હતું કે- ‘ધીરુભાઇ ૯૮ મે વર્ષે પણ, લાકડીના ટેકા વગર ચાલી શકે છે, તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી,  તેમની ૭૫ વર્ષની વયે, ૧૯૯૭માં પત્ની રમાબેનના અવસાન પછી,  કોઇક ઇશ્વરી શક્તિએ તેમને લેખન, વાંચન અને સર્જન તરફ વાળ્યા. સૌ પ્રથમ તેમણે વન વગડાના ફૂલ, તેમાં સ્વ રચિત કાવ્યો તથા અંગ્રેજી કાવ્યોના અનુવાદ, ત્યાર બાદ વન ઉપવનના પુષ્પો,પોતાના કાવ્યો.આમ ઘણા પુષ્તકો પ્રકાશિત કર્યા છે. ઇન્ડિયા કલ્ચર સેન્ટર દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ, કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયાના શુભહસ્તે, તેમને ‘સ્પીરીટ  ઓફ ટાગોર એવોર્ડ’ આપવામાં આવેલો છે. ઘણાં અગ્રગણ્ય સામયિકોમાં તેમના લેખો અને કવિતાઓ પ્રસિધ્ધ થતા રહે છે’. 

 સ્વભાવે શાંત, સૌમ્ય અને મીતભાષી, સદાચારી વ્યક્તિત્વના માલિક એવા ધીરૂભાઇનુ. આખુ નામ ધીરજલાલ હિરાલાલ શાહ છે.
સંસ્થાના બીજા એક કવિ શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટે, ધીરૂભાઇ શાહને બિરદાવતું એક સ્વરચિત કાવ્ય વાંચી સંભળાવ્યું હતું અને એની પ્રીન્ટ મઢીને, ધીરૂભાઇને અર્પણ કરી હતી.

 ઉપસ્થિત રહેલા અન્ય સભ્યોમાંથી  નાસાના મહાન વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લા, શૈલાબેન મુન્શા, ડોક્ટર રમેશ શાહ, ડોક્ટર ઇન્દુબેન શાહ, મનસુખ વાઘેલા, પ્રવિણાબેન કડકિયા, મુકુંદ ગાંધી, રેખાબેન મીસ્ત્રી, જેવા અગ્રગણ્ય સભ્યોએ, ધીરૂદાદા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને શતમ જીવ શરદઃ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

 હ્યુસ્ટનના હાસ્યલેખક કવિ, ચિત્રકાર શ્રી. ચીમનભાઈ પટેલે (‘ચમન’ ) ‘તમારા ગયા પછી’ શિર્ષક હેઠળ એક સ્વરચિત મુક્તક રજુ કર્યું હતું.

 ધીરૂભાઇના સુપુત્ર શ્રી. દિનેશ શાહે પણ પોતાના પિતાશ્રે અંગે બે શબ્દો કહ્યા હતા. શ્રી. ફતેહ અલી ચતુરે પણ અશોક ચક્રધરનું એક પ્રસંગોચિત કાવ્ય રજુ કર્યું હતુ.
ત્યારબાદ સા.સના સભ્યો વતી એક માન પત્ર નાસાના પ્રખ્યાત વૈજ્ઞાનિક શ્રી કમલેશ લુલ્લાએ દાદાને અર્પણ કર્યું હતું.

  સંસ્થાના કુશળ પ્રેસિડેન્ટ શ્રી. સતિષ પરીખ, વાઇસ પ્રેસિડેન્ટ  શ્રી. નિતીન વ્યાસ, ટ્રેઝરર  શ્રી. મનસુખ વાઘેલા અને સંસ્થાના સલાહકાર શ્રી. હસમુખ દોશી  તથા નિખીલ મહેતા જેવા આગેવાનોના અથાક પ્રયત્નોને કારણે કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થઈ શક્યો હતો. ૨૦૧૮ નો આ એક ચિરસ્મરણિય કાર્યક્રમ હતો.

 

 

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૯૧નો અહેવાલ”

  1. Shaila Munshawon 03 Feb 2019 at 1:45 pm

    ધીરુભાઈની ૯૮મી જન્મ જયંતિનો ઉત્સવ સાહિત્ય સરિતાએ ઉમંગભેર ઉજવ્યો અને નવીનભાઈની કલમે એટલો જ ઉત્સાહભરેલો અહેવાલ લખી અને જયંતભાઈના ગ્રુપ ફોટાથી સુશોભિત કરી દીધો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.